શતાબ્દી મહોત્સવ : સાહિત્ય પ્રેમી બાપાએ સંસ્કૃતના જતન અને સંવર્ધન માટે વિદ્વાન સંતોની શ્રેણી તૈયાર કરી હતી
અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં આજનો દિવસ લોક સાહિત્ય દિન તરીકે ઉજવાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાપાને સાહિત્ય પ્રેમી ગણાવવામાં આવ્યા છે. તેઓએ વિશ્વની અનેક ભાષાઓની જનેતા સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન માટે વિદ્વાન સંતોની એક શ્રેણી તૈયાર કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે સાહિત્ય સર્જનના ક્ષેત્રે આધ્યાત્મિક અને સમાજ-જાગૃતિના અનેક વિષયોમાં પ્રેરક અને આકર્ષક હારમાળાબદ્ધ સાહિત્ય રચાવીને ભારતીય સંસ્કૃતિની મહાન સેવા કરી હતી.
બાપાએ દાર્શનિક સાહિત્યને વિશ્વ ફલકે પહોચાડ્યું
વૈદિક આધ્યાત્મિક જ્ઞાનની પરંપરામાં, શતાબ્દીઓ પછી એક વધુ મૌલિક અને વિદ્વત્તાસભર પ્રસ્થાનત્રયી ભાષ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાયું હતું. ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો, સંવાદિતા, તેમજ ગહન દાર્શનિક સાહિત્યને વિશ્વમાં પહોંચાડવા ‘આર્ષ’ અને ‘બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ની સ્થાપના થઈ હતી. વિદ્વત્તાસભર સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના સર્જનમાં બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા પ્રભાવક પ્રદાન કરવામાં આવ્યું છે. વિશ્વની પ્રસિદ્ધ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્વામિનારાયણીય તત્વજ્ઞાન વિષયક પુસ્તકો પ્રકાશિત થયેલાં છે જેનો સિંહફાળો બાપાને જાય છે.
બાપાએ ભગવાન સ્વામિનારાયણની સાહિત્ય સર્જનની પરંપરાને નવપલ્લવિત રાખી
સાહિત્યની શતાબ્દીઓ પુરાણી યાત્રામાં સ્વામિનારાયણીય સંતસાહિત્યનું મહત્ત્વ આગવું બની રહ્યું છે. સાહિત્ય-સંગીત-કલાના પરિપોષક ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતશિષ્યોને પ્રેરણા આપીને વૈવિધ્યસભર સત્ત્વશીલ સાહિત્ય રચાવ્યું હતું. સ્વામી મુક્તાનંદજી, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી નિષ્કુળાનંદજી, સ્વામી નિત્યાનંદજી વગેરે પ્રખર વિદ્વાન-કવિ-સર્જકો દ્વારા રચાયેલું વિપુલ ગદ્ય અને પદ્ય સાહિત્ય ગુજરાતી સાહિત્યનું ઘરેણું બની રહ્નાં છે. ભગવાન સ્વામિનારાયણના મહાન સંતોના એ વિવિધ ભાષામાં વિપુલ સાહિત્ય વારસાને સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એવો ને એવો જ જીવંત રાખ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો પાસે વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચાવીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની સાહિત્ય સર્જનની પરંપરાને નવપલ્લવિત રાખી છે.
આજે શૈક્ષણિક અને રાજકીય જગતના આગેવાનો હતા ઉપસ્થિત
આજે સ્વામિનારાયણ મહારાજ નગર ખાતે સાંજે સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સભામાં ઉપસ્થિત શૈક્ષણિક જગતના શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી અમરીશભાઈ પટેલ, જાણીતા કવિ અને લેખક માધવ રામાનુજ, હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો.ડો. બળવંત જાની, ગુજરાત સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ રઘુવીર ચૌધરી, ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના ટ્રસ્ટી પદ્મ શ્રી કુમારપાળ દેસાઇ, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરપર્સન ભાગ્યેશ ઝા અને રાજકીય જગતના આસામના કેબિનેટ રાજ્ય મંત્રી અશોક સિંઘલ, ગુજરાત ભાજપા પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ તેમજ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર જેવા મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ તેમના વક્તવ્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરી હતી.
આજે સ્વામિનારાયણ સંત સાહિત્ય વિષય ઉપર પરિસંવાદ યોજાયો
બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે ‘સ્વામિનારાયણ સંત સાહિત્ય’ વિષયક વિશિષ્ટ સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, “સંત સાહિત્ય એવું સાહિત્ય છે જે લોકોના હ્રદયને સ્પર્શી જાય છે. સંત આપણને સકારાત્મક વલણથી પ્રેરિત કરે છે અને આપણને ભગવાન સુધી દોરી જાય છે. માતાની જેમ સંતો આપણું રક્ષણ અને પોષણ કરે છે.”
આ ઉપરાંત વિખ્યાત કવિ, વિવેચક, ૮૦ કરતાં વધુ પુસ્તકોના લેખક, સાહિત્ય અકાદમી એવોર્ડ અને જ્ઞાનપીઠ એવોર્ડનાં વિજેતા રઘુવીરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, “ભગવાન સ્વામિનારાયણ અને સંતોએ જે કાર્ય કર્યું છે તે અભૂતપૂર્વ છે. સ્વામિનારાયણ સંત સાહિત્ય દ્વારા સમગ્ર વિશ્વમાં મૂલ્યોનો પ્રસાર થઈ રહ્યો છે. વચનામૃત અને શિક્ષાપત્રી મહાન શાસ્ત્રો છે. આ સંપ્રદાયનો આધાર નક્કર આધ્યાત્મિક તત્વજ્ઞાન છે. પ્રમુખસ્વામી મહારાજે મિલેનિયમ વર્લ્ડ સમિટમાં તેઓના સંબોધન દ્વારા ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું. ”
તદુપરાંત લેખક અને નિબંધકાર અનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, “મને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના ઘણી વાર આશીર્વાદ સાંપડ્યા છે. મારા અકસ્માતના સમયે પણ લીવર ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ યોગીજી મહારાજના આશીર્વાદથી સઘળું સારું થઈ ગયું. તેઓના આશીર્વાદ મારી નસોમાં વહે છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુરુ ભલે શાંત રહે, પરંતુ તેઓ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી અને તેઓના આશીર્વાદ ફળે છે.”
જ્યારે કે, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશભાઈ ઝાએ જણાવ્યું હતું કે,
“આ સંતકવિઓના સર્જનમાં આપણે સૌએ અવગાહન કરવું જોઈએ, જેથી વૈશ્વિક ઉર્જા અને દિવ્યતાનો અનુભવ આપણે કરી શકીએ. બ્રહ્માનંદ, મુક્તાનંદ અને પ્રેમાનંદના કાવ્યોમાં પારલૌકિક વિશ્વનું નિરૂપણ છે, જેના દ્વારા જીવન અને બ્રહ્માંડના રહસ્યોને આપણે સમજી શકીએ છીએ.”
ડૉ.હરિસિંહગોર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફ. ડૉ બળવંતરાય જાનીએ ગુજરાતી ભક્તિ સાહિત્યમાં બ્રહ્માનંદ સ્વામીના પ્રદાનને વધાવ્યું હતું. બ્રહ્માનંદ સ્વામીની કાવ્યરચનાઓના વિવિધ પ્રકારોને તેમણે આદરાંજલિ અર્પી તેમણે જણાવ્યું હતું કે“ બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા. ભગવાન સ્વામિનારાયણની ઉદાત્ત ભાવનાઓથી, બ્રહ્માનંદ સ્વામીએ અન્ય ધર્મોના લોકો સાથે પણ આદરભાવ સંપાદિત કર્યો હતો, જેમાં જૂનાગઢના મુસ્લિમ નવાબ પણ હતા.”
CNN અને CBS ખાતેના પૂર્વ પત્રકાર અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર એવા યોગી ત્રિવેદીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે તેમને સાહિત્યમાં આગળ વધવાની અને વિશ્વ સુધી સદ્સાહિત્યના પ્રસાર માટે પ્રેરણા કરી. પ્રમુખસ્વામી મહારાજે તેમને કહ્યું હતું, “ પહેલાં સ્વયં શિક્ષિત બનો અને પછી અન્યને શિક્ષિત કરો.”
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વે ગુજરાતી સાહિત્ય વિભાગના અધ્યક્ષ અને પદ્મશ્રી એવોર્ડનાં વિજેતા કુમારપાળ દેસાઇએ જણાવ્યું, “ સ્વામિનારાયણ સંતકવિઓએ તેમની સમક્ષ રહેલાં સ્વરૂપને ભક્તિ રૂપે આરાધ્યા. આ સંત કવિઓની રચનાઓ મીરા, નરસિંહ અને સૂરદાસની રચનાઓને સમકક્ષ છે. આ સંતકવિઓની રચનામાં તેઓના પોતાના જીવનમાં રહેલી ભક્તિ અને વૈરાગ્યનો વિરલ સંગમ જોવા મળે છે.”
‘અખંડ આનંદ’ ના સંપાદક, ગાંધર્વ સંગીત વિદ્યાલય ટ્રસ્ટ અને અમદાવાદ તથા ગુજરાતની સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ એવા પ્રોફ. માધવ રામાનુજે પ્રમુખસ્વામી મહારાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.
ગુજરાતના પૂર્વ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એવા વસંત ગઢવીએ સ્વામીનારાયણીય સંત સાહિત્યને ગંગાની ધારા સમાન ગણાવ્યું હતું.
BAPS ના પૂ. ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું, “સંતકવિઓની કૃતિઓની સાથે જોડાયેલાં લોકસંગીતને જાળવવું અગત્યનું છે. કવિનું સર્જન કોઈ તાલીમ દ્વારા નહીં, પરંતુ પોતાના જીવનના સંઘર્ષો અને કષ્ટોની વચ્ચે થાય છે.”
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કાલે યોજાનાર કાર્યક્રમ
આવતીકાલે મહારાજ નગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ઉપર સવારે 9 થી બપોરે 12 સુધી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત Code Of Conduct For Men And Women વિષય ઉપર બપોરે 2 થી 4 સુધી નારી ઉત્કર્ષ મંડપ અને સાંજે 5થી 7.30 સુધી Vicharan Day: Celebrating Pramukh Swami Maharaj’s Spiritual Travels વિચરણ સ્મૃતિ દિન અંગે સંધ્યા સભા યોજાશે.