કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતહેલ્થ

રાજકોટના નાગરિકો માટે સંજીવની સમાન બની “108 એમ્બ્યુલન્સ સેવા” : વર્ષ 2022 દરમ્યાન બચાવ્યા 1.20 લાખ લોકોના જીવ

ગુજરાતના દરેક નાગરિકને આપાતકાલીન પરિસ્થિતિમાં સારવાર માટે સૌથી પહેલા યાદ આવતો નંબર એટલે 108. ગુજરાત રાજ્ય મેડિકલ સારવાર અને સેવાઓ ક્ષેત્રે દેશમાં અવ્વલ રહ્યું છે ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે સંજીવની સમાન બની છે. લોકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી રાજ્ય સરકારે ઈમરજન્સી 108 સેવાને વધુ સુદ્રઢ બનાવી છે, જેના પરિપાકરૂપે આ સેવાએ અત્યાર સુધીમાં 1.20 લાખ લોકોને મોતના મુખમાં જતાં બચાવી યોગ્ય સારવાર આપી છે. ત્યારે રાજકોટના નાગરિકો માટે આ સેવા સંજીવની સમાન બની છે. રાજકોટમાં  “108 એમ્બ્યુલન્સ સેવા”એ વર્ષ 2022 દરમ્યાન કુલ 1.20 લાખ લોકોના જીવ બચાવ્યા છે.

આ પણ વાંચો : રાજકોટ : નાતાલ અને નવાવર્ષની ઉજવણીને લઈને બહાર પડાયું જાહેરનામું

ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007 ના રોજ શરૂ થઈ હતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ 

એક સમય હતો, જ્યારે દર્દીઓને સારવાર માટે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા હતા. વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને આકસ્મિક બનાવમાં સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર જી.વી.કે. ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટના સહયોગથી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007 ના રોજ શરૂ કરાવી હતી, ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ સેવાને વધુને વધુ અસરકારક બનાવી તેનો વ્યાપ વધારીને લાખો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. માત્ર એક ફોનના રણકારે જ દોડી જતી 24 કલાક કાર્યરત અદ્યતન 108 એમ્બ્યુલન્સ હૃદય રોગ, કેન્સર, કિડની, પ્રસુતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ગંભીર ઈજાઓ, અન્ય બીમારીઓ, દઝવાથી થતી ગંભીર ઈજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઈજા સહિત નવજાત શિશુઓને નિ:શુલ્ક સારવાર પૂરી પાડી રાજ્યના લાખો નાગરિકો માટે જીવન રક્ષક બની છે.

108 emergency ambulance - Hum Dekhenge News
108 emergency ambulance

શહેરી વિસ્તારોમાં માત્ર 8 મિનિટ અને ગ્રામ્ય કક્ષાએ 12 મિનિટમાં જ સ્થળ ઉપર હાજર થઈ જાય છે 108 એમ્બ્યુલન્સ 

રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે,’108 સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર” કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લાના 108 ટોલ ફ્રી નંબર ઉપર દિવસ દરમિયાન સરેરાશ ત્રણથી ચાર હજાર કોલ આવે છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવાની વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 સીટીઝન મોબાઈલ એપ્લિકેશન 24 ડીસેમ્બર, 2021 થી શરૂ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં અંદાજિત માત્ર 8 મિનિટ અને ગ્રામ્ય કક્ષાએ માત્ર 12 જ મિનિટમાં સ્થળ ઉપર 108 ની મેડિકલ વાન હાજર થઈ જાય છે. સરકાર દ્વારા 21 માર્ચ,2022 થી 108 એર એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરવામાં આવી છે. અત્યંત ટૂંકા રન-વે પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવતું આ એમ્બ્યુલન્સ એરક્રાફ્ટ દર્દી જ્યાં હોય ત્યાં તે સ્થાનની શક્ય તેટલી નજીક ઉતરાણ કરવા સક્ષમ છે.’

વર્ષ દરમ્યાન ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન દ્વારા સારવાર મેળવી 10065 જેટલી પ્રસુતાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા

રાજકોટ જિલ્લાના સુપરવાઇઝર વિરલ ભટ્ટ તેમજ દર્શિત પટેલએ 108 ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં આજે 42 જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. જેમાં અંદાજિત 56 પાયલોટ અને 50 ઈ.એમ.ટી આરોગ્ય કર્મીઓ સેવા આપી રહ્યા છે. સમગ્ર રાજકોટ શહેર અને 11 તાલુકાઓ અને ગામડાઓમાં 108 ની સેવાનું માળખું ફેલાયેલું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 વર્ષમાં 108 સેવાએ કટોકટીમાં મુકાયેલી 65,331 કરતાં પણ વધુ મહામૂલી માનવ જિંદગીઓને નવજીવન આપ્યું છે. 108 માટે આવતા મોટાભાગના કોલ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. રાજ્યોમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચક આંકને લગતા સરકારના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્વનો ફાળો રહ્યો છે. વર્ષ દરમ્યાન ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન દ્વારા સારવાર મેળવી 10065 જેટલી પ્રસુતાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા છે.

108 emergency ambulance - Hum Dekhenge News
108 emergency ambulance

વર્ષમાં 108 ઈમરજન્સી સેવાએ કુલ 63969 લોકોના જીવ બચાવ્યા

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, 15 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 22 ડિસેમ્બર,2022 સુધી કુલ 12,55,914 ઈમરજન્સી કેસ નોંધાયેલા હતા, જેમાં 1,20,723 લોકોને મોતના મુખમાં જતાં બચાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 2022 ના વર્ષમાં 108 ઈમરજન્સી સેવાએ કુલ 63969 લોકોના જીવ બચાવ્યા છે. જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી આ સરકારી સેવાના પ્રતિનિધિ ડોક્ટર્સ અને સ્ટાફ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પણ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે. વિશ્વાસ અને ચોક્સાઈનો પર્યાય એવી ૧૦૮ તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા કટિબદ્ધ છે.

વર્ષ દરમ્યાન અલગ અલગ પ્રકારના કેસો નોંધાયા 

વર્ષ દરમિયાન 108 દ્વારા ગર્ભવસ્થા સંબંધિત કેસ 19475 , વાહન અકસ્માત કેસ 7820 , અન્ય અકસ્માત કેસ 7310 , હ્રદય સંબંધિત કેસ 3359 , શ્વાસને લગતા કેસ 3621, ઝેરી દવા સંબંધિત કેસ 1663, પેટ સંબંધિત કેસ 5461 અને અન્ય કેસ 15460 મળી કુલ 64169 કેસોમાં તાત્કાલિક સારવાર પુરી પાડી હતી.

Back to top button