બિઝનેસ ડેસ્કઃ બેંક લોન ફ્રોડ કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CBIએ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ પહેલાં CBIએ આ કેસમાં ICICI બેંકના પૂર્વ MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.
આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંકની કમાન સંભાળી રહ્યાં હતા, ત્યારે તેમણે વીડિયોગ્રૂપને લોન આપી હતી. જેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની ન્યૂ રિન્યૂએબલમાં વીડિયોકોને રોકાણ કર્યું હતું. વીડિયોકોન ગ્રૂપને 3,250 કરોડની બેંક લોન આપવાના કેસમાં CBIએ ગત સપ્તાહે ICICI બેંકના પૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. જે બાદ બંનેને મુંબઈની વિશેષ કોર્ટે ત્રણ દિવસની CBI કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
શું છે કેસ?
2012માં વીડિયોકોન ગ્રૂપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે બાદમાં NPA થઈ ગઈ, જેને પછીથી બેંક ફ્રોડ કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં EDએ દીપક કોચરની ધરપકડ કરી હતી. 2012માં ચંદા કોચરના નેતૃત્વમાં ICICI બેંકે વીડિયોકોન ગ્રૂપને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતના સ્વામિત્વવાળી મેસર્સ સુપ્રીમ એનર્જીને
મેસર્સ ન્યૂપાવર રિન્યૂએબલને 64 કરોડની લોન આપી હતી, જેમાં દીપક કોચરની 50% ભાગીદારી છે.
ICICI બેંક અને વીડિયોકોનના શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને SEBIને પત્ર લખીને વીડિયોકોનના અધ્યક્ષ વેણુગોપાલ ધૂત અને ICICIના CEO તેમજ MD ચંદા કોચર પર એકબીજાને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં દાવો કરાયો છે કે ધૂતની કંપની વીડિયોકોનને ICICI બેંકમાંથી 3,250 કરોડ રૂપિયાની લોન અપાઈ અને તેના બદલમાં ધૂતે ચંદ કોચરના પતિ દીપક કોચરની વૈકલ્પિક ઉર્જા કંપની નૂપાવરમાં ઈન્વેસ્ટ કર્યું હતું.
વેણુગોપાલ ધૂતને લાભ પહોંચાડવાનો છે આરોપ
આરોપ છે કે આ રીત ચંદા કોચરના પતિની કંપની માટે વેણુગોપાલ ધૂતને લાભ પહોંચાડવામાં આવ્યો. વર્ષ 2018માં આવો ખુલાસો થયા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. CBIએ 1 ફેબ્રુઆરી, 2018માં આ કેસમાં પ્રાથમિક ફરિયાદ કરી હતી.
વર્ષ 2019માં ICICIના પૂર્વ CEO અને MD ચંદા કોચર વિરૂદ્ધના આરોપની તપાસ કરી રહેલી જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણા સમિતિનો રિપોર્ટ આવ્યો. સમિતિએ પોતાની તપાસમાં જાણ્યું કે વીડિયોકોનને લોન આપવાના કેસમાં કોચરે બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. કોચરની સ્વીકૃતિ પર આ લોનની કેટલીક રકમ તેના પતિ દીપકની કંપનીને આપવામાં આવી હતી.