નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની મુશ્કેલી ફરી વધવાની છે. CBIએ તેમના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં ફરી તપાસ શરૂ કરી દીધી છે. આ મામલો રેલવે પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારનો છે. લાલુ યાદવ UPA-1 સરકારમાં આ પોર્ટફોલિયો સંભાળી રહ્યાં હતા. આરોપ છે કે ત્યારે જ ભ્રષ્ટાચાર થયો હતો. આ કેસમાં CBIએ 2018માં તપાસ શરૂ કરી હતી. મે 2021માં તપાસ બંધ કરી દેવાઈ હતી. આ કેસ હવે ફરી ખુલ્યો છે.
ભારતીય રેલવેના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપની તપાસ શરૂ થતા લાલુ પર સંકટના વાદલો ફરી મંડરાયા છે. આ પહેલાં તેમણે અન્ય કેસમાં સજા થઈ છે અને તેઓ લાંબા સમય સુધી જેલમાં પણ રહ્યાં છે. હાલમાં જ તેમની એક ગંભીર બીમારીની સારવાર કરવામાં આવી છે, જેમાં તેમની પુત્રીએ કિડની ડોનેટ કરી હતી. લાલુપ્રસાદ ઘાસચારા કૌભાંડના મુખ્ય આરોપી છે. આ ઉપરાંત જ્યારે તેઓ UPA-1 સરકારમાં રેલવે મંત્રાલય સંભાળી રહ્યાં હતા ત્યારે રેલવેના પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારનો તેમના પર આરોપ છે.
CBI સાથે જોડાયેલાં સુત્રો મુજબ લાલુ યાદવ વિરૂદ્ધ જે કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે તેમાં તેમના સિવાય તેમના પુત્ર અને બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવ અને પુત્રી ચંદા યાદવ તેમજ રાગિની યાદવ પણ આરોપી છે. અધિકારીઓએ કહ્યું કે- જે કેસ પહેલા હતો તેની જ તપાસ થઈ રહી છે, કોઈ નવો કેસ ઊભો નથી કરવામાં આવ્યો.
સત્તામાં ફરી નીતિશ-લાલુ સાથે
લાલુ યાદવની પાર્ટી RJD હાલ સત્તા પર છે, જેમની સાથે નીતિશ કુમારની આગેવાનીવાળી જનતાદળ યુનાઈટેડે ગઠબંધન કર્યું છે. લાલુના પુત્ર તેજસ્વી યાદવ બિહારના ડેપ્યુટી CM છે. તો લાલુપ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમની પત્નીએ પણ આ જવાબદારી સંભાળી છે. હાલ બિહારની સત્તા નીતિશ કુમારના હાથમાં છે.