છેલ્લા 10 મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વચ્ચે થોડાં રાહતના સમાચાર આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત માટે તૈયાર છે, પણ તે પહેલાં યુક્રેનને ચેતવણી આપી છે કે તે પોતાના પશ્ચિમી દેશો સાથેના સંબંધો પર અંકુશ લગાવે.
બંને દેશો વચ્ચેના તણાવ ભરી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિએ રવિવારે એક રશિયન ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, અમે તમામ પક્ષો સાથે વાતચીત કરવા તૈયાર છે જેઓ યુક્રેન પર થઈ રહેલી સૈન્ય કાર્યવાહીનો ઉકેલ લાવવા માંગે છે. તેમજ યુક્રેન પર આ બધુ નિર્ભર છે. અત્યાર સુધીના તમામ કરારને તેઓ જ નકારી રહ્યા છે. આ સાથે જ પુતિને કહ્યું કે અમે અમારા રાષ્ટ્ર અને નાગરિકોના હિતોની રક્ષણ કરવા માટે બંધાયેલા છીએ. જેના માટે કોઈ પણ પગલાં ભરવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપતિને આવકારવા ઉભા થયા યુએસ સાંસદ, ઝેલેન્સકીએ કહ્યું- નહીં સ્વીકારીએ શરણાગતિ
આ તરફ યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે પુતિનની ટિપ્પણીઓ દેશ પર સતત હુમલાઓ વચ્ચે આવી છે. રવિવારે દેશભરમાં બે વાર હવાઈ હુમલાની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. આ ઉપરાંત બપોરે ત્રણ મિસાઇલોએ આંશિક રીતે કબજે કરેલા ડનિટ્સ્ક પ્રદેશમાં ક્રેમેટોર્સ્ક શહેરને નિશાન બનાવ્યું હતું. જેના પર રશિયાએ કહ્યું કે યુક્રેનને વાતચીતમાં રસ નથી. સાથે જ યુક્રેનનું કહેવું છે કે પહેલા રશિયા હુમલા બંધ કરે અને પોતાની સરહદ પરનો કબજો છોડે પછી જ વાતચીત શક્ય બનશે.
રશિયન હુમલા છતાં યુક્રેનમાં નાતાલની ઉજવણી થઈ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધે યુક્રેનને લગભગ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. અહીંના ઘણા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. અલબત્ત, રશિયા યુક્રેનને હરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ યુક્રેનના સૈનિકો દ્વારા તેનો પૂરો જવાબ આપવામાં આવી રહ્યો છે. એક કારણ એ પણ છે કે નાટો દેશો યુક્રેનને હથિયારો સહિતની આર્થિક મદદ કરી રહ્યા છે, જેના કારણે તે આ યુદ્ધમાં રશિયાની સામે હજુ પણ ઉભો છે. આ દરમિયાન યુક્રેનના લોકો પણ નાતાલના તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
અમેરિકાએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તે યુક્રેનને 15,000 કરોડ રૂપિયાની સહાય આપશે. આ સાથે અમેરિકાએ પેટ્રિઅટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપવાની પણ જાહેરાત કરી હતી. આ પુતિને કહ્યું હતું કે આનાથી યુદ્ધ પર કોઈ ખાસ અસર નહીં થાય. તેનો સામનો કરવાની રીત રશિયા જાણે છે.જેઓ યુક્રેનને આવી મદદ કરી રહ્યા છે તેઓ આ સંઘર્ષને વધુ વધારી રહ્યા છે.