રાજકોટ : નાતાલ અને નવાવર્ષની ઉજવણીને લઈને બહાર પડાયું જાહેરનામું
રાજકોટ શહેર-જિલ્લામાં નાતાલ અને નવાવર્ષની ઉજવણી સલામતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવેલ છે. જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીના સ્થળે સિક્યોરીટી ગાર્ડ અને સીસીટીવી રેકોર્ડીંગ રાખવું ફરજીયાત કરવામાં આવેલ છે. આ જાહેરનામું આજ તા. 25 ડીસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી અમલી રહેશે.
સીસીટીવી કેવી રીતે ગોઠવવાના રહેશે ?
નાતાલ પર્વની ઉજવણી તેમજ નવા વર્ષની ઉજવણીને આવકારવા કરવામાં આવતી ઉજવણીઓ જે જે જગ્યાએ થતી હોય તે તમામ જગ્યાઓએ પ્રવેશ દ્વાર તથા બહાર નિકળવાના દ્વાર પર સીકયુરીટીમેન ફરજ પર નિયુકત કરવાના રહેશે તથા પ્રવેશદ્વાર પર તથા બહાર નીકળવાના દ્વારે રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનાર રોડ સુધીના રેકોર્ડીંગ પ્રાપ્ત થઇ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગની જગ્યાઓ તથા પાર્ટી જયાં યોજાનાર છે તે બાગ, હોલ કે અન્ય જગ્યાએ સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ આ સીસીટીવી કેમેરા હાઇડેફીનેશનવાળા નાઇટ વિઝન ધરાવતા હોવા જોઇએ તેમજ જો પાર્ટી બાદ ભોજન કે અન્ય સેલીબ્રેશન કરવાના હોય તો તે સ્થળ, ભોજન કક્ષમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે હાઇડેફીનેશન ધરાવતા સીસી ટીવી કેમેરા ગોઠવવાના રહેશે. આ સીસી ટીવી કેમેરા સતત ર૪ કલાક ચાલુ રહે તથા તેનુ રેકોર્ડીંગ લેવાની તમામ આનુષંગીત વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે જગ્યાના માલીકો અને વહીવટકર્તાઓ અને આવા કાર્યક્રમના મુખ્ય આયોજકોની રહેશે.
3 મહિના સુધી રેકોર્ડિંગ સાચવવાનું રહેશે
આ ઉપરાંત આ રેકોર્ડીંગ સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાનું જણાવવામાં આવ્યે રજૂ કરવાનું રહેશે. તેમજ આ કાર્યક્રમની સીડીનું રેકોર્ડીંગ 3 મહિના સુધી સાચવી રાખવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.