કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગોંડલ – રિબડા વિવાદ : સમાધાનના પ્રયાસો વચ્ચે જયરાજસિંહના પુત્રનો વીડિયો આવ્યો સામે, જાણો શું કહ્યું ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્યભરમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી ગોંડલ બેઠક માટે ટિકિટ મેળવવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને મહિપતસિંહ જાડેજા રિબડાના પરિવારના સભ્યો વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. દરમિયાન ભાજપે ફરી ગીતાબા જાડેજાને ટિકિટ આપી હતી જેમાં તેઓ ચૂંટાઈને આવ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલા રિબડામાં પટેલ યુવાનોને પૂર્વ ધારાસભ્ય મહિતપતસિંહના પુત્ર અનિરુદ્ધસિંહ અને તેમના પુત્રો દ્વારા ધમકાવવામાં આવતા હોવાનું સામે આવતા જયરાજસિંહ જાડેજાએ રિબડા ગામમાં પટેલ સમાજનું સંમેલન બોલાવ્યું હતું અને એકપણ વ્યક્તિએ કોઈનાથી ડરવું નહીં તેવું જણાવી હુંકાર ભર્યો હતો. દરમિયાન રાજપૂત સમાજના આગેવાનોએ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાન કરાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમણે સમાજના આગેવાનોને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે રિબડાના લોકો મારા માતા-પિતાને ગાળો આપતા હતા ત્યારે સમાજ ક્યાં સૂતો હતો ? કેમ કોઈ તેને સમજાવવા ન ગયા હતા ? અને અત્યારે જ કેમ સમાધાન ? હવે બહુ મોડું થઈ ગયું છે.

અમારા ટેકેદારોને હેરાન કરશે તો જડબાતોડ જવાબ આપીશું

ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે વિવાદ વધતા હવે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાએ સમાધાનની પહેલ કરી છે. રીબડા જૂથ સાથે સમાધાનની વાત પર જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહે બળાપો કાઢ્યો છે. તેમણે જણાવ્યું કે, હવે સમાજને જાગવામાં મોડુ થઇ ગયું છે, અમારા ટેકેદારોને હેરાન કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું. વધુમાં ગણેશે જણાવ્યું કે, હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે બાબતે જો સમાજને વાકેફ કરી તો આજથી ત્રણ-ચાર મહિના પહેલા ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ જયરાજસિંહ જાડેજાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. એ કાર્યક્રમના મુખ્ય આયોજક રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હતા. ત્યારે હું સમાજને કહેવા માંગુ છું કે આ સમયે સમાજ ક્યાં હતો? સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના સમાજના આગેવાનો કે સમાજના સંગઠનોએ અનિરુદ્ધસિંહ જાડેજાને એવું નહોતું કહ્યું કે આ કાર્યક્રમ તમારાથી ન થાય, આવા કાર્યક્રમ તમારે ન કરવા જોઈએ. હું સ્પષ્ટ પણે માનું છે કે ત્યારે સમાજ સૂતો હતો.

રિબડા જૂથના કરતુતોનો જવાબ મતદારોએ તેમને આપ્યો

વધુમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જણાવ્યું કે, ચૂંટણી સમયે પણ ઘણા બધા આક્ષેપો થયા હતા, આ આક્ષેપોના જવાબો લોકશાહીના ઢબે આપવામાં આવ્યા હતા. હું મીડિયાના માધ્યમથી રાજપૂતને વિનંતી સાથે કહું છું કે જ્યારે અમારા ટેકેદારોને હેરાન કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું. જે ભાષામાં જવાબ આપવો પડે અમે આપીશું. વધુમાં તેણે વિનંતી કરતા કહ્યું કે, આ સામાજિક બાબત નથી, રાજકીય બાબત છે. અમારા સમર્થનમાં કોઈ ઓડિયો કે વીડિયો ન મુકવા, તેમના સમર્થનમાં પણ ઓડિયો કે વીડિયો ન મુકવા. હું વડીલોને પણ વિનંતી કરું છું કે આ સામાજિક બાબત નથી રાજકીય બાબત છે એટલે કોઈ પણ જાતના સમાધાનનું એલાન કરતા પહેલા અમારી સાથે અમારા પરિવાર સાથે ચર્ચા કરો. ચર્ચા થાય પછી જ કોઈપણ જાતના આવા એલાન કરવા તેવી હું વિનંતી કરું છું.

Back to top button