ગુજરાત

સુરતમાં ‘દીકરી જગત જનની’લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

સુરતમાં પીપી સવાણી અને જાનવી ગ્રુપ દ્વારા પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને જાનવી લેબગ્રોન ડાયમંડ દ્વારા તા.૨૪ અને ૨૫ ડિસેમ્બરે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત પિતાવિહોણી ૩૦૦ દીકરીઓના ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ અંતર્ગત આજે પ્રથમ દિને લગ્નોત્સવમાં સહભાગી થઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૦ નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા.

default

પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે. ‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે. જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે. આઝાદીના અમૃત કાળના અવસરે દામ્પત્યજીવનનો પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા સંપ અને કાર્યદક્ષતાના અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી સૌ નવદંપતિઓને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે તેમાં ખાસ વાત એ છે કે, કોરોનાના સંકટ વચ્ચે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે સમુહ લગ્નો પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિને વેગ મળે છે. પિતાવિહોણી દીકરીઓનો અનોખો સમુહલગ્નોત્સવ એ સર્વ સમાજની દીકરીઓને નવી ખુશી, નવી ઉર્જા પ્રદાન સાથે સદ્દભાવ, સમભાવનું કેન્દ્ર બન્યો છે.  સંગઠિત અને પ્રગતિશીલ સમાજ દ્વારા યોજાતા સમુહ લગ્નો કરકસર અને સંયમનું પ્રતિબિંબ છે.

તો સાથે સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને સમાજને નવો સંદેશ આપ્યો છે. સુરત આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબધ્ધ થઈને અંગદાનમાં જોડાયા એ સુરતના નામે વધુ એક સિદ્ધિ છે. આ સમૂહલગ્ન થકી નવા, ઉમદા વિચારો દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે જોડીને પરિવારને એક તાંતણે બાંધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશે દીકરી મહેશભાઈની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી ઉમેર્યું કે, આગામી સમયમાં ટેકનીકલ ટેક્ષટાઇલ તથા રેડીમેડ ગારમેન્ટ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકોનુ સર્જન થશે. આ ઉપરાંત  ૭૫ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવનાર છે જેથી આ ક્ષેત્રે ટેકનીકલ સ્ટાફની જરૂરિયાત રહેશે જેથી યુવાનોને આ ક્ષેત્રમાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.

લગભગ ૪૫૭૨ થી વધુ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું : મહેશ સવાણી

પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ ૪૫૭૨ થી વધુ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. તેમણે જીવનના નવા પડાવમાં જઈ રહેલી દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, સાસરે જઈને પરિવારને સ્નેહના તાંતણે બાંધજે, વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. ઉત્તમ નારીત્વનુ ઉદાહરણ પૂરૂ પાડજે, ઉત્તમ વહુ અને માતા બનીને ઉચ્ચ સંસ્કારયુકત સંતાનોને જન્મ આપવાની શુભકામનાઓ પાઠવી હતી.

અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

મુખ્યમંત્રીશ્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. જેમાં CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના ૧૦૦૦ બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારી કરાવાશે. વિશેષત: આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ.શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.

કોરોના વાઈરસના BF.7 વેરિયેન્ટે ચીનમાં હાહાકાર મચાવ્યો

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના BF.7 વેરિયેન્ટે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં હાલમાં કોરોનાના વધી રહેલા પોઝિટિવ કેસને પગલે ભારત સરકાર પણ એલર્ટ છે. આ સાથે ગુજરાત સરકાર કોરોનાની સંભાવિત લહેરને પહોંચી વળવા સક્ષમ હોવાનું કહેવાય છે. જો કે આ સાથે જ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા લોકોને ભીડભાડ વાળી જગ્યાએ તકેદારી રાખવા તેમજ માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. એવામાં સુરતના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓએ માસ્ક પહેરીને લોકોને પણ કોરોનાને લઈને તકેદારી રાખવાનો સંદેશો આપ્યો હતો.

આ પણ વાંચો : વ્યાજખોરીના દુષણ સામે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની લાલઆંખ, જાણો શું કહ્યું ?

Back to top button