કોરોનાના ભય વચ્ચે ભાજપ સુરતમાં 30 હજાર કાર્યકરોને ભેગા કરી સન્માન સમારોહ કરશે
કોરોના મહામારીએ ફરી એક વાર ઉથલો માર્યો છે. દેશમાં ફરી એક વાર કોરોનાના કેસો આવી રહ્યા છે. જેને લઈને સરકાર એલર્ડ જાહેર કરી રહી છે. તો બીજી બાજુ સુરતમાં ભાજપ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાની દહેશતમાં ભાજપનો આ કાર્યક્રમ કરવો કેટલો યોગ્ય કહેવાય તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાને લઇને એલર્ડ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત સરકાર કોરોના હોસ્પિટલ અને વોર્ડ બનાવવાની તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે બીજી તરફ ભાજપ તેના 30 હજાર જેટલા કાર્યકરોને ભેગા કરીને સન્માન સમારોહનું આયોજન કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ભાજપ સન્માન સમારોહ કરશે
મળતી માહિતી મુજબ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ સુરતમાં ધારાસભ્યોના સન્માન સમારોહનું આયોજન કરી રહી છે. ભાજપ તેના 30 હજાર જેટલા કાર્યકરોને સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ભેગા કરી સન્માન સમારોહ કરશે. અને તેના માટેની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.
ભાજપે સમારોહમાં કોવિડ ગાઈડલાઈનનુ પાલન કરવાનો દાવો કર્યો
કોરોનાની દહેશત વચ્ચે ભાજપ તેના નવ નિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યોના સન્માન માટે 30 હજારથી વધુ કાર્યકરો ભેગા કરવાનું આયોજન કરી રહી છે. ત્યારે શહેર ભાજપ દ્વારા સન્માન સમારોહના સ્થળે કોવિડની ગાઈડ લાઈનનું પાલન પણ કરવામા આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે કોરોનાના ભય વચ્ચે આટલી મોટી માત્રામાં કાર્યકરોને એકઠા કરી કાર્યક્રમ કરવો કેટલો યોગ્ય તેવા સવાલો પણ ઉઠાવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :નવા વર્ષમાં દૂધસાગર ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં આટલો વધારો કર્યો