પાલનપુરમાં ડમ્પીંગ સાઈટનો કચરાનો ડુંગર ખસેડાશે
પાલનપુર: પાલનપુર શહેરની મધ્યમાં અને માલણ દરવાજા પાસે જ્યાંથી આજુબાજુના 30 ગામના લોકોની અવરજવર રહે છે. ત્યારે આ માર્ગ ઉપર કચરાનો મોટો ડુંગર ખડકાઈ ગયો છે. પાલનપુર શહેરમાંથી રોજે રોજ ટનબંધ નીકળતો કચરો માલણ દરવાજાની સાઈટ ઉપર ઠલાવવામાં આવે છે. પરિણામે બે માળ જેટલો ઊંચો કચરાનો ડુંગર ખડકાયો છે. અહીંથી પસાર થતાં લોકોને અત્યંત દુર્ગંધના કારણે નાક ઉપર રૂમાલ દબાવીને પસાર થવું પડે છે. ત્યારે આ કચરાની સાઈટ ને ખસેડવા માટે અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.છેલ્લે પાલનપુર શહેરના યુવાન રવિ સોનીએ facebook લાઈવ કરીને કચરાનો ડુંગર બતાવી તેને 40 થી 50 દિવસમાં ખસેડવાની પાલિકાને મહેતલ આપી હતી. અને જો તેમ નહીં કરાય તો પાલિકામાં જઈને આત્મવિલોપન કરવાની ચીમકી સુધા આપી હતી.
આ કાર્યવાહી થાય એનો અમારે જશ નથી જોઈતો : રવિ સોની
જો કે પાલિકા દ્વારા આ કચરા ને અન્ય જગ્યાએ ખસેડવા માટે સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી. જેને સરકાર દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. એટલે હવે ટૂંક સમયમાં કચરાની આ સાઇટ ઉપર ખડકાયેલો ડુંગર ખસેડવાની કામગીરી હાથ ધરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે આત્મવિલોપનની ચીમકી આપનારા રવિ સોનીએ જણાવ્યું હતું કે, હવે જશ લેવા માટે હવે બધા આવશે, પરંતુ આ માટે અમારે જશ જોઈતો નથી. માત્ર પાલનપુરની પ્રજા માટે એક સારું કામ થશે અને સમસ્યાનો ઉકેલ આવે તે જ મહત્વનું છે.
જ્યારે આ અંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ કિરણબેન રાવલ એ જણાવ્યું હતું કે પંદર દિવસથી ડમ્પીંગ સાઈટને લઈને સરકાર દ્વારા મંજૂરી મળી છે. અને ટૂંક સમયમાં તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. આ કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરાશે તેમ પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આમ વર્ષોથી લોકોને પીડા આપતો કચરાનો આ ઢગ હવે અન્યત્ર ખસેડવાની મંજૂરી મળતા સમસ્યાનો ઉકેલ આવશે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના આસેડામાં બેંકનો લાંચિયા મેનેજર રૂ.10 હજાર ની લાંચ લેતા ફસાયો