સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આનંદના સમાચાર : નર્મદાનું પાણી પહોંચશે વધુ નજીક
ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં સૌના યોજના થકી સૌરાષ્ટ્રના વિવિધ જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે તેવું જાહેર કર્યું છે.
સૌની યોજના થકી જળાશયો ભરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીરને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ જળાશયોમાં પાણી આવતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિપાકની સિંચાઈ માટે પાણીની સારી સુવિધા મળી રહેશે. જેથી સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોને હવેથી વલખા નહી મારવા પડે. જેથી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોમાં રાજ્ય સરકારના આ નિર્ણથી ખૂશીનો માહોલ વ્યાપી ગયો છે.
સૌરાષ્ટ્રના115 જળાશયોમાં નર્મદાનું નીર આવશે
કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીરને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજય સરકારે સૌની યોજના થકી નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રના જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવા આયોજન હાથ ધર્યું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી હતી માંગણી
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજનાને સૌરાષ્ટ્રમાં લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને તેઓએ હકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં આ મહત્વનો નિર્ણય કર્યો છે.
સૌરાષ્ટ્રના 10 જીલ્લાના જળાશયોમાં ભરાશે પાણી
રાજ્ય સરકારના આ નિર્ણયથી સૌની યોજના લીંક 1થી4ના રસ્તામાં આવતા તમામ જળાશયો ભરવામાં આવશે. અને સૌરાષ્ટ્રના જળાશયોમાં 1,52,400 લાખ ઘનફુટ પાણીનો જથ્થો ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકરના વિસ્તારની સિંચાઇનો ફાયદો થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે
આ પણ વાંચો :રીબાડા વિવાદ: સમાધાનને લઈને હવે આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખે આપ્યું નિવેદન