ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

CM ભૂપેન્દ્ર પટેલે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી : 27 ડિસે. હોસ્પિટલમાં યોજાશે મોકડ્રીલ

રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમિક્ષા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજી હતી. જે બેઠક બાદ તેઓએ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું અને ડરવાની નહીં પણ કાળજી સતર્કતા રાખવી જરૂરી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત આગામી 27 ડિસેમ્બરે તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓકસિજન સુવિધા અને બેડની એવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ ચકાસવામાં આવશે. મોકડ્રીલ બાદની સંકલિત માહિતી COWIN INDIA PORTAL ઉપર મુકવામાં આવશે.

બેઠક પહેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી સાથે યોજાઈ હતી બેઠક

આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ બંને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ 33 ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને 100 ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે.

વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે

આરોગ્ય મંત્રીએ કહ્યુ હતું કે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર 2% રેન્ડમ ચેક કરવામાં આવશે તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે. તજજ્ઞોના મતે BF 7ના સંક્રમણના દર મુજબ 1 વ્યકિત 16 વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે.

આરોગ્યમંત્રીએ રાજ્યવાસીઓને કરી અપીલ

હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક 10,000 ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે. આરોગ્યમંત્રીએ ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું હતું કે જેને કોરોના વેક્સિનના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધો છે તેને કોરોનાના આ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે. રાજ્યમાં વખતોવખત કોરોના અંગે જરૂરી તમામ ગાઇડલાઇન જાહેર કરાશે. એટલું જ નહિ, કેન્દ્ર સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પણ યોગ્ય રીતે અનુસરણ કરાશે. કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જનતાને આરોગ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો.

Back to top button