શતાબ્દી મહોત્સવ : બાપાએ 7 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને 11 નિ:શુલ્ક મોબાઈલ દવાખાના શરૂ કર્યા હતા
પ્રમુખસ્વામી મહારાજનગરમાં આજે ‘અધ્યાત્મ અને આરોગ્ય દિન’ના ઉપક્રમે વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓનો એક બૃહદ અધ્યાય છે. બાપાએ 7 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોની સ્થાપના કરી હતી. ઉપરાંત 11 નિ:શુલ્ક મોબાઈલ દવાખાનાઓ દ્વારા 1 કરોડ જેટલાં રોગીઓની સારવાર કરવામાં આવી છે.
મોબાઈલ દવાખાનાઓ થકી 56 લાખ કરતા વધુ દર્દીઓની સારવાર
અનેક રક્તદાન યજ્ઞો, નિ:શુલ્ક રોગનિદાન કેન્દ્રો અને વિભિન્ન સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજના સ્વાસ્થ્યની રક્ષા કરી છે. 59 લાખ સીસી રક્તદાન પણ સંસ્થાની અનોખી સિદ્ધિ છે. પ્રતિ સપ્તાહ આશરે 2880 કિમી જેટલું અંતર કાપતા 14 મોબાઈલ દવાખાનાઓ દ્વારા 133 ગામોના 56 લાખ કરતાં વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત 1227 જેટલાં રોગનિદાન કેન્દ્રો દ્વારા 2,91,000 લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.
બાપાએ 40 લાખ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપી
ઉલ્લેખનીય છે કે સ્વામીજીએ 40 લાખ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપી સમગ્ર રાષ્ટ્રના આરોગ્યની રક્ષા કરી છે, બીજી બાજુ, તેમણે સમાજના આધ્યાત્મિક આરોગ્યની પણ ચિંતા કરી હતી. વિશ્વભરમાં 1231 જેટલાં મંદિરો, 9500 કરતાં વધુ બાળ-યુવા કેન્દ્રો અને 9000 થી વધારે પુરુષ-મહિલા સત્સંગ કેન્દ્રોની સ્થાપના દ્વારા સર્વેના આધ્યાત્મિક આરોગ્યને સશક્ત બનાવ્યું હતું.
BAPS સંસ્થાએ કોરોનાકાળમાં અદ્ભૂત સેવા આપી
પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત આરોગ્યસેવાના કાર્યને BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. જાનના જોખમે કોરોનાના દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ માટે 1,80,000 થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2,00,000 થી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર કરવામાં આવી હતી. 250 થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો હતો. 1000 થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું હતું. 5000 લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું હતું.
11000 થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી હતી. 132 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ અપાયા હતા. 78 લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1300 કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ કરાયું હતું.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાસ્થ્યની જાળવણી
પ્રમુખસ્વામી નગરમાં સ્વાસ્થ્યની જાળવણી માટે ડસ્ટ-ફ્રી વતાવરણનું સર્જન, નગરમાં અંદર 200 એકર જગ્યામાં 1 કરોડ કરતાં વધુ પેવર બ્લોક્સ નાંખવામાં આવ્યા છે. પીવાનું શુદ્ધ પાણી – પાણીની પરબમાં RO પાણી ઉપલબ્ધ છે. નગરમાં નિશુલ્ક 24 આરોગ્ય સહાય કેન્દ્રો, 6 ફરતાં દવાખાના ઉપલબ્ધ છે. 450 ભાઈઓ અને બહેનોનો મેડિકલ સ્ટાફ હાજર છે. ત્રણ ઇમરજન્સી નંબર પર તાત્કાલિક મેડિકલ સેવા માટે સંપર્કની વ્યવસ્થા રાખવામાં આવી છે. રોજના સરેરાશ 1500 કરતાં વધુ દર્દીઓની તપાસ, માર્ગદર્શન અને સારવાર આપવામાં આવે છે. 10 સંતો અને 2150 સ્વયંસેવકો દ્વારા નિરંતર સ્વચ્છતા વિભાગ કાર્યરત છે.
પ્રમુખસ્વામી મહારાજનગરમાં યોજાઈ પ્રોફેશનલ કોન્ફરન્સ
આજે પ્રમુખસ્વામી મહારાજનગરમાં યોજાયેલ પ્રોફેશનલ કોન્ફરન્સમાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ FICCI “Shaping the Future by Value Based Management” વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેના અંશો નીચે મુજબ છે.
આ પ્રસંગે હેસ્ટર બાયો સાયન્સના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત FICCI ના Co – Chairman એવા રાજીવ ગાંધીએ કેવી રીતે મૂલ્યો આધારિત મેનેજમેન્ટ જે-તે સંસ્થાના કર્મચારીઓની પ્રગતિમાં યોગદાન આપી શકે તેના પર માર્ગદર્શન આપ્યું.
એન્ટપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશન, ગુજરાતના ગ્લોબલ કમિટી મેમ્બર એવા શ્રી ચિરંજીવ પટેલે જણાવ્યું હતું કે, “પ્રતિકૂળ હવામાનના વિઘ્નોની વચ્ચે પણ 80,000 સ્વયંસેવકોએ પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના કરી અશકયને શક્ય બનાવી દીધું. મૂલ્ય આધારિત મેનેજમેન્ટ પ્રમુખસ્વામી મહારાજ પાસેથી શીખવાનું છે. મારા એક મિત્રએ પ્રમુખસ્વામી મહારાજને તેમના રેસ્ટોરન્ટ બિઝનેસસ વિષે વાત કરી ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તેમને કહ્યું હતું કે ‘તમારા કર્મચારીઓ સાથે નમ્રતા અને ભલાઈથી વર્તજો.’ પ્રમુખસ્વામી મહારાજે સ્વયંસેવકોના રૂપમાં વિશ્વમાં અધિકતમ ‘સર્વન્ટ લીડર’ ની ભેટ ધરી છે. આ વિશ્વએ અગાઉ ક્યારેય આટલો સંગઠિત મૂલ્યનિષ્ઠ સમાજ નહીં જોયો હોય.”
ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ, BJP ના ઇન-ચાર્જ શ્રી વિજય ચૌથઇવલે એ જણાવ્યું હતું કે, “સંગઠનના પરિવર્તન અને સફળતા માટે આધ્યાત્મિક નેતૃત્વ જરૂરી છે.”
ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઇન-ચીફ અને પ્રમુખ, શ્રી ગણપત પટેલે જણાવ્યું હતું કે, “આટલા વિશાળ સ્વયંસેવક દળને જોઈને મને પ્રતીતિ થાય છે કે પ્રમુખસ્વામી મહારાજે આ સઘળું પ્રેમ દ્વારા શક્ય બનાવ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું સંચાલન આટલું વ્યવસ્થિત રીતે થાય છે તેના મૂળમાં સ્વયંસેવકોની ભાવના છે; જેઓ કોણ સાચું છે તેના પર નહીં, પણ શું સાચું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”
વિખ્યાત ટેનિસ પ્લેયર શ્રી લિએન્ડર પેસે જણાવ્યું હતું કે, “આજના ટેકનોલૉજીના જમાનામાં જ્યારે લોકો સંવાદ ભૂલી રહ્યા છે ત્યારે આવા ભવ્ય સ્થાનના નિર્માણમાં જે સ્વયંસેવકો સમર્પિત થયા છે, તે તેઓનો અસામાન્ય ઉત્સાહ અને એકતા બતાવે છે. એ આપણી જવાબદારી છે કે ઉદ્યોગજગતમાં પણ મૂલ્યનિષ્ઠ વાતાવરણ અને સંવાદનું સર્જન થાય.’