ક્યાંથી આવ્યા સાન્ટા કલોઝ, શા માટે આપે છે ગિફ્ટઃ જાણો બાળકોના ફેવરિટ કેરેક્ટરની રોચક વાતો
ક્રિસમસનો દિવસ નજીક આવી ગયો છે. દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ દેશ-વિદેશમાં ક્રિસમસ તરીકે ધામધુમથી મનાવવામાં આવે છે. બાળકોને ક્રિસમસના તહેવારમાં સાન્ટા ક્લોઝનું ખુબ જ આકર્ષણ હોય છે. કોણ છે આ સાન્ટા ક્લોઝ અને તે શા માટે બાળકોને ગિફ્ટ આપે છે. આની પાછળ એક પ્રચલિત કહાની છે.
ચોથી સદીમાં એશિયા માઇનરની એક જગ્યાએ સેન્ટ નિકોલસ નામનો એક માણસ રહેતો હતો. તેઓ ખુબ આમીર હતા, પરંતુ તેમણે તેમના માતા-પિતા ગુમાવી દીધા. પોતાનું દિલ લગાવવા અને ગરીબોના પ્રેમ માટે થઇને તેમણે ગરીબ લોકોને છુપાઇને મદદ કરવાનું શરૂ કર્યુ. સેન્ટ નિકોલસ ગરીબ વ્યક્તિને સિક્રેટ ગિફ્ટ આપીને ખુશ કરવાની કોશિશ કરતા હતા.
એક વખત સંત નિકોલસને ખબર પડી કે એક ગરીબ વ્યક્તિની ત્રણ દીકરીઓ છે જેમના લગ્ન માટે તેમની પાસે પૈસા ન હતા. મજબૂરીમાં તે દીકરીઓને વેચી રહ્યા હતા. આ વાત જાણી નિકોલસ આ વ્યક્તિની મદદ કરવા પહોંચ્યા. એક રાત્રે નિકોલસ તે માણસના ઘરની છતમાં લાગેલી ચિમનીપાસે પહોંચ્યા અને ત્યાં સોનાથી ભરેલી બેગ રાખી દીધી. આ દરમિયાન તે માણસે તેના મોજા સુકવવા ચિમનીમાં લગાવી રાખ્યા હતા. આ મોજામાંથી અચાનક સોનાથી ભરેલી બેગ ઘરમાં પડી. આવુ એક વાર નહીં ત્રણ વખત થયુ. જોકે તે વ્યક્તિ નિકોલસને જોઇ ગઇ, પરંતુ કોઇને આ વાત ન જણાવવા કહ્યુ.
ખુબ જલ્દી આ વાત આખા ગામમાં ફેલાઇ ગઇ. તે દિવસથી કોઇ પણ દિવસથી જ્યારે પણ કોઈને સીક્રેટ ગિફ્ટ મળે તો બધાને લાગે છે કે તે નિકોલસે આપી છે. ધીમે-ધીમે નિકોલસની કહાની લોકપ્રિય થઈ. ક્રિસમસમાં બાળકોને ગિફ્ટ આપવાની પ્રથા હતી. તેથી સૌથી પહેલા યુકેમાં નિકોલસની કહાનીને આધાર બનાવાયો અને તેને ફાધર ક્રિસમસ અને ઓલ્ડ મેન ક્રિસમસ નામ આપ્યુ. ત્યારબાદ આખી દુનિયામાં ક્રિસમસના દિવસે મોજામાં ગિફ્ટ આપવાની એટલે કે સીક્રેટ સાન્ટાનો રિવાજ વધવા લાગ્યો.
આ રીતે બાળકોના ફેવરિટ બન્યા
નિકોલસ એક સંતના રૂપમાં પ્રસિદ્ધ થયા. સામાન્ય લોકો નહીં, પરંતુ ચોર-ડાકુ જેવા લોકો પણ તેમને પસંદ કરવા લાગ્યા. તેમની ખ્યાતિ ધીમે ધીમે ઉત્તર યુરોપમાં ફેલાઇ. લોકો આદરપુર્વક તેમને ‘ક્લોઝ’ કહેવા લાગ્યા અને કેથલિક ચર્ચે તેમને ‘સંત’નો દરજ્જો આપ્યો. બસ આ રીતે ‘સાન્ટા ક્લોઝ’ અસ્તિત્વમાં આવ્યા અને ગિફ્ટ આપવાના લીધે બાળકોના ફેવરિટ બન્યા.
કેમ મોજા ઘરની બહાર સુકવાય છે?
ગરીબ વ્યક્તિને સંત નિકોલસે મોજામાં ભરીને ગિફ્ટ આપી હતી. આ કારણે એવુ કહેવાય છે કે સાન્ટા ક્લોઝ મોજામાં ગિફ્ટ ભરે છે. એક વખત કેટલાક ગરીબ પરિવારના બાળકો તેમના મોજાને બહાર સુકવીને સુઇ ગયા. સાન્ટાએ તેમાં ગિફ્ટો ભરી દીધી. તેથી ખ્રિસ્તી પરિવારના લોકો નાતાલના દિવસે કેટલાક દેશોમાં ઘરની બહાર મોજા સુકવે છે.
શું છે લાલ રંગનું મહત્ત્વ?
લાલ રંગ જિસસ ક્રાઇસ્ટના રક્તનું પ્રતીક મનાય છે. જિસસ દરેક ખ્રિસ્તીને પોતાનું સંતાન માને છે અને કોઈ શરત વિના તેને પ્રેમ કરે છે. લાલ રંગ દ્વારા તેઓ સૌને માનવતાના પાઠ શીખવવા માગે છે. તેમનું કહેવું હતું કે, લાલ રંગ એ ખુશીનો રંગ છે. બસ આજ કારણથી મોજાથી લઇને સાન્ટાના કપડા સુધીની બધી વસ્તુ લાલ કલરની હોય છે અને ક્રિસમસનો રંગ પણ લાલ કહેવાય છે.
આ પણ વાંચોઃઘરમાં શા માટે સજાવાય છે ક્રિસમસ ટ્રી? શું છે તેનું મહત્ત્વ