અમદાવાદઃઆઈપીએલ-2022ના ફાઇનલ મુકાબલાની ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPLની ફાઈનલ મેચ 29 મેને રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈ તરફથી દર્શકોની ક્ષમતાને લઇને જે પ્રતિબંધ લગાવ્યા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં 100 ટકા પ્રેક્ષકોની હાજરીમાં આઈપીએલ પ્લેઓફ રમાડવામાં આવશે એટલે કે 1 લાખથી વધુ દર્શકો સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચશે. આઈપીએલ-2022ની શરૂઆત 26 માર્ચે થઇ હતી. કોરોનાને લીધે બીસીસીઆઈએ લીગ રાઉન્ડની 70 મેચો મહારાષ્ટ્રના 3 સ્થળો પર કરાવવાનો નિર્ણય કર્યો હતો.
આગામી રવિવારે એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં દર્શકોની ભીડ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર દર્શકોથી ખીચોખીચ ભરેલું જોવા મળશે. કારણ કે, અમદાવાદમાં IPLની બે મેચ રમાનાર છે. જેમાં ક્રિકેટર્સ ઉપરાંત રાજકીય નેતા, અભિનેતા સહિતના વીવીઆઈપી ફાઇનલ મેચ નિહાળવા પહોંચશે. આ મેચને જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા માટે 5000 જવાનોને તૈનાત
IPLની મેચને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ટ્રાફિક પર મોટી અસર પડશે. ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા હોવા છતાં ક્રિકેટપ્રેમીઓનો ટિકિટ માટે સ્ટેડિયમની બહાર ધસારો જોવા મળી રહ્યો છે. જેથી કરીને અત્યારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. IPLની મેચો માટે સ્ટેડિયમમાં પાર્કિંગથી માંડીને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા માટે જ 5 DCP,7 ACP, 10 PI, 15 PSI તૈનાત કરાશે. જ્યારે કે, સુરક્ષા વ્યવસ્થા માટે 5000 જવાનોને તૈનાત કરાયા છે. આવતીકાલે એટલે કે, શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ રમાશે. IPLની મેચને પગલે રાજ્ય પોલીસ વિભાગ એલર્ટ પર છે. જિલ્લાના તમામ પોલીસ કર્મીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાનની ટીમ અમદાવાદમાં આવી ચૂકી છે.
PM મોદી અને અમિત શાહની મુલાકાતને લઈ લોખંડી સુરક્ષા બંદોબસ્ત
આઈપીએલની મેચ દરમિયાન પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીની અમદાવાદ મુલાકાતને ધ્યાને લઈ ખાસ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિકની કોઈ અગવડ ન પડે માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. એક રોડ બંધ કરી ડાયવર્ઝન અપાયુ છે. જનપત ટીથી મોટેરા સુધી રોડ બંધ રાખવામાં આવશે. ખેલાડી લઈ જવા માટે અલગ રોડ રાખવામાં આવ્યો છે. મેચ નિહાળવા માટે 1.10 લાખ લોકો આવના હોવાથી રોડ પર ટ્રાફિક જામ ન થાય માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. ક્રિકેટ પ્રેમી મેચ જોવા આવે તો અવર જવર માટે સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. 56 બીઆરટીએસ અને 60 એએમટીએસ બસ રાખવામાં આવી છે, જેથી લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શકશે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહન ટોઇંગ કરવામાં આવશે. 8 પ્લોટ ફોર વ્હીલર અને 23 પ્લોટ ટુ વ્હીલર પાર્કિગ માટે રાખવામાં આવ્યા છે. ઓનલાઇન પાકિગ ચાર્જ લેવામાં આવશે.
આ સાથે જ પોલીસ બંદોબસ્તમાં 4 ડી.આઈ.જી રેન્ક અધિકારી 47 એસ.પી, 84 ડીએસપી, 3 કયું.આર.ટી ની ટીમ, 28 એસ.આર.પી.એફ, 28 બોમ્બ સ્કવોડ, 222 પી.આઈ, 686 પીએસઆઈ, 3346 કોન્સ્ટેબલ અને 824 મહિલા પોલીસનો કાફલો સ્ટેડિયમ પર તૈનાત રહેશે તેવુ ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું.