ગુજરાત

રાજ્યના 14 જિલ્લાઓના વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના ૧૪ જિલ્લાઓના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારની પ્રતિબદ્ધતા આ બહુવિધ વિકાસ સમારોહથી સાકાર થઇ છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે આદિજાતિ વિસ્તારોમાં વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોનું લોકાર્પણ કર્યં હતુ. અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડેડીયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડીના વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરીને આદિજાતિ વિસ્તારોમાં ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડવાની નેમ દર્શાવી હતી. વાંસની બનાવટ-ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર ગ્રોથ સેન્ટર બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશના અનેક રાજ્યોમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’ વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે. તેમણે આ જ પગલે ગુજરાતે પણ પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં ‘ગ્રીન ગોલ્ડ’ વાંસ ઉછેર-વાંસ ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઉભી કરવાની નેમ લીધી છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાંસને વૃક્ષ ગણવાના ૯૦ વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી સૌના માટે વિકાસની અનેક તકો પૂરી પાડીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ, ગ્રોથ એન્જીન બનાવ્યું છે. મુખ્યમંત્રીએ વનવાસી-આદિજાતિઓના બાળકોના અને યુવાઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોમાં જે અદ્યતન સુવિધા આપી છે તેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો ઘટયો, યુવાઓને ઉચ્ચ અભ્યાસની સુવિધા મળી તેની પણ વિશદ છણાવટ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની પાયાની સગવડતાઓ આપીને અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ અને છેવાડાના લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર સંકલ્પબદ્ધ છે.

મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ પાંચ કરોડ રૂપિયાના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે ૩ કરોડના લાભ તેમજ ૪ વનલક્ષ્મી, ઇકો ડેવલપમેન્ટ-ઇકો ટુરિઝમના લાભોનું વિતરણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેડીયાપાડામાં વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના રૂરલ મોલ, વર્કશોપ અને આદિજાતિ મહિલાઓ સંચાલિત સાતપૂડા ભોજનાલયની મુલાકાત લઇ ત્યાંની ગતિવિધિઓ ઝિણવટપૂર્વક નિહાળી હતી. આ અવસરે બામ્બુ રીસોર્સ ઓફ ગુજરાત કોફી ટેબલ બૂકનું પણ વિમોચન તેમણે કર્યુ હતું.

વનમંત્રી કિરીટસિંહજી રાણા,આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તથા વન રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો, સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ આ અવસરે સહભાગી થયા હતા.

Back to top button