અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ પાસે સિરિયલ બ્લાસ્ટ, મસ્જિદમાં રાખવામાં આવ્યા હતા બોમ્બ; શિયા સમુદાયના લોકો ફરી ટાર્ગેટ પર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે મોડી સાંજે એક પછી એક ચાર વિસ્ફોટ થયા હતા. એક મસ્જિદ અને ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં પેસેન્જર વાનમાં ત્રણ વિસ્ફોટ થયા હતા. મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. કાબુલના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાબુલમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા છે.
જો કે કાબુલની ઇમર્જન્સી હોસ્પિટલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે બ્લાસ્ટથી પાંચ મૃતદેહ અને એક ડઝનથી વધુ ઘાયલ દર્દીઓ મળ્યા છે. જ્યારે તાલિબાનના એક અધિકારીએ માહિતી આપી હતી કે વિસ્ફોટો મસ્જિદમાં રાખવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં છે.
શિયા સમુદાયને નિશાન બનાવ્યો
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ આતંકવાદી ઘટનાઓમાં સતત વધારો થયો છે. સતત થઈ રહેલા વિસ્ફોટોથી તાલિબાનની સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે, જેના નિશાના પર અફઘાનિસ્તાનમાં રહેતા શિયા સમુદાય છે.
ઉત્તરી બલ્ખ પ્રાંતમાં પેસેન્જર વાનમાં થયેલા ત્રણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે. બલ્ખ પ્રાંતના પોલીસ-પ્રવક્તા મોહમ્મદ આસિફ વજેરીએ રોઇટર્સને જણાવ્યું કે આ હુમલો અફઘાનિસ્તાનમાં રહેતા શિયા સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તેઓ લઘુમતીમાં છે.
મસ્જિદમાં લોકો હાજર હતા
કાબુલમાં રહેતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું- “અમે અહીં નજીકમાં હતા ત્યારે જોરદાર ધડાકો થયો. અવાજ એટલો જોરદાર હતો કે અમે બધાએ હોશ ગુમાવી બેઠા હતા. ઝકરિયા મસ્જિદમાં નમાજ પછી બ્લાસ્ટ થયો હતો, પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઘણા લોકો મસ્જિદની અંદર હતા. અમને જમીન પર મૃતદેહો અને ઘણા લોકો ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા.
19 અને 21 એપ્રિલે પણ બ્લાસ્ટ થયો હતો.
આ પહેલાં 21 એપ્રિલે મઝાર-એ-શરીફની મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતા, જ્યારે 65 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ISIS દ્વારા લેવામાં આવી હતી, જે એક ઈસ્લામિક આતંકવાદી સંગઠન છે.એ જ દિવસે મઝાર-એ-શરીફના કુદુંજ પ્રાંતના સરદારવાર વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 4 લોકો માર્યા ગયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. 19 એપ્રિલે કાબુલની અબ્દુલ રહીમ શાહિદ હાઈસ્કૂલમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 6 લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ ઘાયલ થયા હતા.