ભીલડી પાસેથી રેતી ભરેલા ડમ્પરોનો તોડ કરતી ટોળકી ઝડપાઈ
પાલનપુર: બનાસ નદીમાંથી રેતી ભરીને જતા ડમ્પરોનો પત્રકારોના નામે તોડ કરતી ટોળકીને ભીલડી પોલીસે ઝડપી લીધી છે.આ કહેવાતા પત્રકારો ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના આઈ કાર્ડ બતાવી ડમ્પર ચાલકોને ઊભા રાખી તેમની પાસે રોયલ્ટી ના પાસ તેમજ અન્ય કાગળો માંગી મોટી રકમનો તોડ કરતાં હોવાનું સામે આવ્યું છે.બનાસ નદીમાંથી કાંકરેજ તાલુકામાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરો ચાલકો પાસેથી તોડ કરતી ટોળકી ઝડપાઈ છે. જેમાં વિગત એવી છે કે, થરાદ તાલુકાના જેતડા ગામના ભગવાનસિંહ ઉર્ફે અમરસિંહ રાજપુત થરાદના દુદાભાઈ રાજપુત નું ડમ્પર ચલાવે છે.તેઓ તેમનું ડમ્પર નંબર GJ 08 Y 9615 માં અરણીવાડા થી 20 ટન રેતી ભરી રોયલ્ટી પાસ લઈને થરાદ તરફ જતા હતા ત્યારે ભીલડી બ્રિજ પાસે ડમ્પરની પાછળ એક સ્વીફ્ટ કારમાં આવેલા પાંચ શખ્સો એ ડમ્પરને રોકાવી ડ્રાઇવર પાસેથી રોયલ્ટી પાસ માંગ્યો હતો.
રૂ. 25 હજારની માંગણી કરી હતી
જેથી ડ્રાઇવર એ રોયલ્ટી પાસ રજૂ કરતા તેઓએ આ પાસ નકલી હોવાનું જણાવી તેની પાસેથી રૂપિયા 25,000 ની માગણી કરી હતી. અને ડમ્પરની ચાવી લઈ લીધી હતી. જેથી ડ્રાઇવર એ ડમ્પર માલિકને ફોન કરતા ડમ્પર માલિકે ભીલડી પોલીસને જાણ કરતા ભીલડી પોલીસે તોડબાજ ટોળકીને ઝડપી લીધી હતી.રૂ. 25 હજારની માંગણી કરી હતી.
ભીલડી પોલીસે પાંચ પત્રકારો સામે ગુનો નોંધી અટકાયત કરી
ઝડપાયેલા શખ્સોમાં પાટણના કલ્પેશ શ્યામલાલ આચાર્ય, વામૈયાના રમેશજી મોંઘાજી ઠાકોર , દશરથજી ગણપતજી ઠાકોર, કંબોઈના શૈલેષસિંહ ભાવસિંહ સોલંકી, કિર્તીસિંહ અંદરસિંહ સોલંકી તમામે પત્રકારો હોવાની ઓળખાણ આપી હતી.
ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના પત્રકારો જણાવી તોડ કરતા હતા
આ પત્રકારો ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન ના કાર્ડ બતાવી લોકો ઉપર રોફ જમાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું.તેમજ અગાઉ પણ આ પત્રકારો એ અનેક ડમ્પર ચાલકો પાસેથી મોટી રકમના તોડ કર્યા હોવાનું જાણવા મળતા પોલીસે તમામની સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ આટલા લોકો લે છે મુલાકાતઃ મેનેજમેન્ટ અભ્યાસનો વિષય