પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ આટલા લોકો લે છે મુલાકાતઃ મેનેજમેન્ટ અભ્યાસનો વિષય
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશથી ભક્તો મુલાકાત લેવા આવી રહ્યા છે. મહોત્સવમાં થઇ રહેલુ મેનેજમેન્ટ ખરેખર ચર્ચાનો વિષય બન્યુ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પણ તેમની મુલાકાતના દિવસે કહ્યુ હતુ કે એમબીએના સ્ટુડન્ટે ખરેખર આ વ્યવસ્થાના પાઠ ભણવા જેવા છે.
તમને જાણીને આશ્વર્ય થશે કે અહીં રોજ 1.5 લાખ થી પોણા બે લાખ લોકો પ્રમુખસ્વામી નગરની મુલાકાતે આવે છે. છતાં તમે જ્યારે ત્યાં જશો તો ટ્રાફિકની અત્યંત સુંદર વ્યવસ્થા અને વાહન પાર્કિંગનું આયોજન જોઇ નવાઇ પામશો. જોકે આ માટે રોજ ચારથી પાંચ હજાર હરિભક્તો સેવા આપી રહ્યા છે. આ સ્વયંસેવકો અમદાવાદના 132 ફુટ રિંગ રોડથી શરૂ કરીને પ્રમુખ સ્વામી નગરની અંદર આવેલા પાર્કિંગ પ્લોટ સુધી હાજર હોય છે. તમને એ રસ્તામાં ક્યાંય ટ્રાફિક અડચણરૂપ નહીં લાગે. કોઇ પણ રસ્તે ટ્રાફિક જામ નહીં થાય. અંદર વાહનો પણ વ્યવસ્થિત પાર્ક કરેલા જોઇ શકાશે. આવુ અદભુત મેનેજમેન્ટ ખરેખર અભ્યાસનો વિષય છે.
સુરક્ષા પણ છે મોટી ચેલેન્જ
રોજેરોજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવતા લાખ-દોઢ લાખ ભક્તોની સુરક્ષાની જવાબદારી પણ મોટો પડકાર છે. પોલીસ પોતાની ફરજ નિભાવી જ રહી છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા અસંખ્ય હરિભક્તોએ પણ તમામ મુલાકાતીઓની સુરક્ષાની જવાબદારી ઉપાડી લીધી છે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રમુખસ્વામી નગરમાં પાંચ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેની અંદર 3500 થી વધારે સ્વયંસેવકો રાત દિવસ સુરક્ષા માટે ખડે પગે રહે છે.