ક્રિસમસ 25 ડિસેમ્બરે આખી દુનિયામાં કેમ મનાવાય છે? જાણો શું છે મહત્ત્વ
ક્રિસમસ ખ્રિસ્તી ધર્મના લોકોનો સૌથી મોટો તહેવાર છે, જે દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસના રૂપમાં આખી દુનિયામાં ઉજવાય છે. એક દિવસ પહેલા એટલે કે 24 ડિસેમ્બરથી તેની ધુમધામ શરૂ થઇ જાય છે. ખ્રિસ્તી ધર્મના લોકો આ દિવસને ઇસુખ્રિસ્તના જન્મદિવસના રૂપમાં ઉજવે છે. ભારતમાં પણ ખ્રિસ્તી ધર્મની સાથે અન્ય તમામ ધર્મના લોકો ક્રિસમસનો તહેવાર ધામધુમથી મનાવે છે. શું તમે ક્રિસમસના ઇતિહાસ વિશે જાણો છો?
ખ્રિસ્તી ધર્મના લોકો ક્રિસમસના એક દિવસ પહેલા એટલે કે 24 ડિસેમ્બરથી જ ક્રિસમસનુ પર્વ મનાવે છે. 24 ડિસેમ્બરે રાતે લોકો ચર્ચ જાય છે અને ત્યાં વિશેષ પુજા કે પ્રાર્થના કરાય છે. ખ્રિસ્તી ધર્મના લોકો પોતાના પ્રભુ ઇસુ ખ્રિસ્તને યાદ કરે છે. પછી એકબીજાને ક્રિસમસના અભિનંદન આપે છે અને ગિફ્ટ વહેંચે છે.
ક્રિસમસનું આ છે મહત્ત્વ
ક્રિસમસનો ઇતિહાસ થોડા વર્ષો નહી, પરંતુ કેટલીયે સદીઓ જુનો છે. સૌથી પહેલા ક્રિસમસ રોમ દેશમાં મનાવવામાં આવતી હતી, પરંતુ 25 ડિસેમ્બરને ક્રિસમસ પહેલા રોમમાં સુર્યદેવના જન્મદિવસના રૂપમાં મનાવાતી હતી. તે સમયે રોમના સમ્રાટ સુર્યદેવને પોતાનો મુખ્ય દેવતા માનતા હતા અને સુર્યદેવની આરાધના કરતા હતા. 330 ઇ.સ. આવતા આવતા રોમમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર-પ્રસાર ઝડપથી વધવા લાગ્યો. રોમમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ થઇ ગયા. ત્યારબાદ 336 ઇ.સ.માં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ ઇસુ ખ્રિસ્તને સુર્યદેવનો અવતાર માની લીધો અને ત્યારબાદ 25 ડિસેમ્બરનો દિવસ ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના રૂપમાં ઉજવાવા લાગ્યો. લોકો આ દિવસને બુરાઇ પર સારાઇની જીત તરીકે ઉજવે છે. ક્રિસમસનો તહેવાર ખ્રિસ્તી ધર્મના લોકો માટે નવુ વર્ષ હોય છે.
આ પણ વાંચોઃ ક્રિસમસ અને નવા વર્ષના વેકેશન માટે આ છે ભારતના ખાસ સ્થળો