ટોપ ન્યૂઝનેશનલ

‘દેશહિતમાં સ્થગિત કરી દે ભારત જોડો યાત્રા’, કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્રો, જાણો શું છે કારણ

Text To Speech

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે. ત્યારે કોરોનાને લઈને ભારત સરકાર સતર્ક છે. કેન્દ્રએ દરેક રાજ્યોને નવા કેસો પર નજર રાખવા તેમજ જીનોમ સીક્વેન્સિંગ વધારવા માટે કહ્યું છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમમંત્રી અશોક ગેહલોતને પત્ર લખી ભારત જોડો યાત્રા કોવિડ પ્રોટોકોલને કારણે સ્થગિત રાખવા અપીલ કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પત્રમાં જણાવ્યું કોરોના વાયરસ મહામારી સાર્વજનિક કટોકટી હોવાથી, ભારત જોડો યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે,” સલાહ આપતાં તેમણે કહ્યું કે, “રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર કોરોનાની વેક્સિન લગાવેલા લોકો જ આ યાત્રામાં ભાગ લે. યાત્રામાં જોડાયા પહેલા અને પછી યાત્રીઓને આઈસોલેટ કરવામાં આવે.

દેશના હિતમાં યાત્રા મોકૂફ રાખવાની અપીલ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના પત્રમાં રાહુલ ગાંધીને દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવાની અપીલ કરી છે. તેમણે લખ્યું, “જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી, તો જાહેર આરોગ્ય કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને દેશને કોવિડ મહામારીથી બચાવવા માટે, હું ‘ભારત જોડો યાત્રા’ને સ્થગિત કરવા વિનંતી કરું છું..”

કોંગ્રેસે મોદી સરકાર સામે વળતા પ્રહાર કર્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના આ પત્ર પર કોંગ્રેસે વળતા પ્રહાર શરુ કર્યા છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભારત જોડો યાત્રાના ડરથી ભાજપ આ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, “ભારત જોડો યાત્રાએ મોદી સરકારને ખળભળાટ મચાવી દીધો છે. સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. શું PM મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ઘરે-ઘરે ગયા હતા અને તમામ પ્રોટોકોલનું પાલન કર્યું હતું ?”

Back to top button