આર્મીના એવિએશન કોર્પ્સમાં પ્રથમ વખત મહિલા પાયલટની પસંદગી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે કેપ્ટન અભિલાષા બરાકને સેનામાં કોમ્બેટ પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તે રુદ્ર અને એલસીએચ જેવા એટેક હેલિકોપ્ટર ઉડાવી શકશે.
એવિએશન કોર્પ્સના ઈતિહાસમાં સુવર્ણ દિવસ
સેનાના જણાવ્યા અનુસાર, એવિએશન કોર્પ્સના ઈતિહાસમાં આ સુવર્ણ અક્ષરોમાં લખવા જેવો દિવસ છે કારણ કે પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીને કોમ્બેટ એવિએટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બુધવારે કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ, નાસિક (મહારાષ્ટ્ર)ના દીક્ષાંત સમારોહમાં કેપ્ટન અભિલાષા બરાક સહિત કુલ 36 આર્મી પાઇલટ્સને ‘વિંગ્સ’ આપવામાં આવી હતી. એવિએશન કોર્પ્સના મહાનિર્દેશક, લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સુરીએ કેપ્ટન અભિલાષા સહિત તમામ પાઇલટ્સને વિંગ્સ આપી. આ વિંગ્સ આપ્યા પછી, આ તમામ પાઇલટ્સ આર્મીના રુદ્ર અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ઉડાડવા માટે તૈયાર થઈ ગયા છે.
આર્મીની એવિએશન કોર્પ્સ જવાનોને પીઠબળ પુરું પાડે છે
આર્મીની એવિએશન કોર્પ્સની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. એવિએશન કોર્પ્સના હેલિકોપ્ટરની જવાબદારી સેનાની છેલ્લી પોસ્ટ પર તૈનાત સૈનિકોને ભોજન, રાશન, શસ્ત્રો અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવાની છે. આ એવી ચોકીઓ છે કે જ્યાં રોડ માર્ગે પહોંચી શકાતું નથી. ખાસ કરીને સિયાચીન ગ્લેશિયર, એલઓસી, પૂર્વ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં આવી ઘણી સૈન્ય ચોકીઓ છે, જ્યાં રોડ માર્ગે પહોંચી શકાતું નથી. ત્યાં, એવિએશન કોર્પ્સના હેલિકોપ્ટર જ કામ કરે છે. તાજેતરના વર્ષોમાં સ્વદેશી રુદ્ર અને LCH હેલિકોપ્ટરને પણ એવિએશન કોર્પ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ એટેક હેલિકોપ્ટર્સને સેનાના યુદ્ધ કાફલામાં સામેલ કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ દુશ્મન રેખાઓ પર હુમલો કરવા અને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવશે.
કેપ્ટન અભિલાષા સહિત તમામ 36 કોમ્બેટ એવિએટર્સ આ રુદ્ર હેલિકોપ્ટર અને એલસીએચ ઉડાડશે. આર્મીના નવા કોર્પ્સમાંથી એક, એવિએશન કોર્પ્સનું સૂત્ર સ્વિફ્ટી એન્ડ સ્યોર છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આગામી દિવસોમાં એવિએશન કોર્પ્સનું વ્યૂહાત્મક મહત્વ વધવા જઈ રહ્યું છે અને તે સેનાને બળ-ગુણાકાર તરીકે મદદ કરશે.
26 વર્ષની કેપ્ટન અભિલાષા મૂળ હરિયાણાની
કેપ્ટન અભિલાષા મૂળ હરિયાણાના પંચકુલાની છે અને તેના પિતા પણ સેનામાં કર્નલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કેપ્ટન અભિલાષા વર્ષ 2018 માં આર્મીના એર ડિફેન્સ કોર્પ્સમાં જોડાઈ હતી અને તેણે ઘણા વ્યાવસાયિક લશ્કરી અભ્યાસક્રમો કર્યા છે. કોમ્બેટ એવિએટર બનવા માટે તેણે તેના બાકીના પાઈલટ સાથીઓની જેમ છ મહિનાનો કોર્સ કર્યો છે.