IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. ટોસ હાર્યા બાદ RCBએ પ્રથમ બેટિંગ કરતા LSG સામે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો સ્કોર કરી શક્યું હતું. આ દરમિયાન LSGના કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રન કર્યા હતા. જોકે RCBની આ જીતનો હીરો રજત પાટીદાર અને જોશ હેઝલવુડ રહ્યા હતા. પાટીદારે અણનમ 112 રન બનાવ્યા હતા જ્યારે હેઝલવુડે મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી.
ફાઈનલ માટેની હોડ હવે અમદાવાદમાં
ક્વોલિફાયર-2માં હવે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ આવતીકાલે એટલે કે 27 મેના દિવસ ખેલાશે. જે ટીમ મેચ જીતશે તે 29 મેના દિવસે ગુજરાત ટાઈટન્સ સામે ફાઈનલ મેચ રમશે.
કોહલી અને પાટીદાર વચ્ચે શાનદાર પાર્ટનરશિપ, મેક્સવેલ ફ્લોપ
RCBની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે પહેલી જ ઓવરમાં કેપ્ટન ડુ પ્લેસિસની વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી વિકેટ વહેલી પડી ગયા પછી વિરાટ કોહલી અને રજત પાટીદારે RCBની ઇનિંગ સંભાળી હતી.બીજી વિકેટ માટે બંને વચ્ચે 46 બોલમાં 66 રનની પાર્ટનરશિપ થઈ હતી.જોકે ત્યારપછી કોહલીને 25 બોલમાં 24 રન કરી આવેશ ખાને આઉટ થયો હતો.વિરાટ વિકેટ પછી ગ્લેન મેક્સવેલ પણ લાંબો સમય બેટિંગ કરી શક્યો નહોતો અને 10 બોલમાં 9 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી હતી.
RCBની જીતનો હીરો રજત
RCBની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં રજત પાટીદારે લખનઉના કૃણાલ પંડ્યાનો સામનો કર્યો હતો. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પાટીદારે 20 રન કર્યા હતા.જે ઓવરના પહેલા બોલ પર કોહલીએ સિંગલ લીધો અને પાટીદારને સ્ટ્રાઈક આપી, આ ઓવર પંડ્યા માટે દુઃસ્વપ્ન બની ગઈ.પાટીદારે ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા.ચોથા બોલ પર એક છગ્ગો અને પાંચમા બોલ પર બીજો ચોગ્ગો ફટકારી પાટીદારે આક્રમક બેટિંગ કરી હતી. છેલ્લા બોલ પર સિંગલ લઈને રજત પાટીદારે સ્ટ્રાઈક પોતાની સાથે રાખી હતી.
લખનઉની શરૂઆત જ ખરાબ રહી હતી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ડી કોક 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં મનન વોહરાએ 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. દરમિયાન તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી . કેએલ રાહુલ અને દીપક હુડ્ડા વચ્ચે ત્રીજી વિકેટ માટે 96 રનની પાર્ટનરશીપ કરી હતી.
લખનઉનો બેટ્સમેન દીપક હુડ્ડા 45 રન બનાવીને આઉટ થયો હતો. તે હસરંગાની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોશ હેઝલવુડે રાહુલને શાહબાઝ અહેમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેએસ રાહુલ બાદ 79 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ બાદ કૃણાલ પંડ્યા પણ શૂન્ય રન પર આઉટ થયો હતો.
શુક્રવારે RCB અને RR વચ્ચે જીતશે તે મોદી સ્ટેડિયમમાં ગુજરાત સામે ટકરાશે
IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. GTને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ હતો જેને ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન હાર્દિક અને મિલર વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે રાજસ્થાનના બોલ્ટ તથા મેક્કોયે 1-1 વિકેટ લીધી હતી.