15મી વિધાનસભાના પ્રથમ સત્રમાં આજે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ માટેના પ્રસ્તાવને સંસદીય અને વૈધાનિક મંત્રી ઋષિકેશ પટેલે સમર્થન આપતા ગુજરાત વિધાનસભાના પક્ષ-વિપક્ષના તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીને સમર્થન કરતા વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ કોમનમેનની રજૂઆતો સાંભળશે, જાણો સ્થળ, સમય અને તારીખ
સભાગૃહની ગરિમા અને ગૌરવ જાળવવાની જવાબદારી આપણને સોંપી
ગુજરાતમાં સંગઠન, સહકાર, સરકાર બાદ હવે બંધારણીય જવાબદારી સ્વીકારીને ગૃહમાં સૌનો આભાર માનતા અધ્યક્ષ ચૌધરીએ કહ્યું હતું કે, સભાગૃહના તમામ સભ્યોશ્રીઓએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું સંપૂર્ણ ન્યાય આપવા હંમેશાં પ્રયત્નશીલ રહીશ. ભારતમાં સંસદીય લોકશાહીમાં સભાગૃહની સર્વોપરીતા તેનું હાર્દ- હૃદય છે. સભાગૃહની ગરિમા અને ગૌરવ જાળવવાની જવાબદારી આપણને સોંપી છે, તેથી વિધાનસભાગૃહનું ગૌરવ અને ગરિમા ઓછી થાય તેવા કોઈપણ કાર્યથી અળગા રહેવાનું અને પ્રજાના હિતને લક્ષમાં રાખીને જવાબદારી નિભાવવાનું ધ્યેય કેન્દ્ર સ્થાને રહે તે આપણા સૌ માટે આવશ્યક છે. આદર્શ આચારસંહિતાનું પાલન સંસદીય કારકિર્દી માટે આધારસ્તંભ છે તેમ આજે વિધાનસભા ગૃહમાં નવા નિમાયેલા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં નવી સરકારે પ્રથમ સત્ર આજે એક દિવસનું કર્યું, જાણો કેમ
આ સમય સુર્વણકાળ બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો
વિધનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ પદભાર સંભાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુકત અભિનદન પાઠવ્યા હતાં. લોકશાહીના મંદીરની ઉજ્જવળ પરંપરાઓ જાળવી રાખવામાં નવનિયુકત અધ્યક્ષનું માર્ગદર્શન નિરંતર મળતું રહેશે. 15મી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય કાર્યપ્રણાલિકાઓના સંર્વધન માટેનો સુર્વણકાળ બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પણ વાંચો: પોલીસ કેસ ઉકેલી શકી નહી, ત્યારે પોપટ બોલ્યો મમ્મી-પપ્પા…
અનેક સપૂતોએ આ સભાગૃહને શોભાવી
અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, આ વિધાનગૃહ મહાપુરૂષો તથા નવરત્નોનું સાક્ષી રહ્યું છે. અનેક સપૂતોએ આ સભાગૃહને શોભાવીને દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આવા રત્નોમાં આપણા સૌના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.07 ઓકટોબર, 2001થી 22મી મે 2014 સુધી એટલે કે 4604 દિવસ સુધી આ સભાગૃહને અજવાળીને આજે દેશના વડાપ્રધાનપદે બિરાજે છે. જે ગુજરાત વિધાનસભા ગૃહ તેમજ ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ કે જેઓ 9મી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઇને સૌ પ્રથમ આ સભાગૃહમાં આવ્યા અને સતત 22 વર્ષ સુધી આ સભાગૃહના સન્માનીય સભ્ય તરીકે રહી ચૂક્યા છે તે પણ આપણાં સૌ માટે ગૌરવની ક્ષણ છે.
શંકર ચૌધરીએ ગૃહના સભ્યોનો આભાર સ્વીકાર કર્યો
અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહના સભ્યોનો આભાર સ્વીકાર કરતા કહ્યું હતું કે, લોકશાહી અને સંસદીય પ્રણાલીને વધુ બળવત્તર બનાવવા માટે શાસક-વિપક્ષ તરીકે નહી, પરંતુ શાસક-સાથી પક્ષની ભાવનાથી કાર્ય કરશું. સંવાદ વિવાદમાં ન પરિણમે તે રીતે સંવાદ સાધી પ્રજાના પ્રાણ પ્રશ્નોના વાચા આપવાની જવાબદારી માત્ર અધ્યક્ષની જ નહી પરંતુ ગૃહના તમામ સભ્યોની છે એમ ઉમેર્યુ હતું.