કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જૂનાગઢ મુક્તિ દિવસઃ આરઝી હકુમતે મુક્તિનો ઝંડો ન ઉપાડ્યો હોત તો આજે ભારતનો નકશો કેવો હોત?

  • 9 નવેમ્બર એટલે કે જૂનાગઢનો મુક્તિ દિન
  • નવાબ મહાબતખાન-ત્રીજાએ જૂનાગઢ રાજ્યને પાકિસ્તાનમાં જોડાવાની કરી હતી જાહેરાત
  • જૂનાગઢને હિંદમાં જોડવા માટે 3 મહિના સુધી ચાલી આરઝી હુકુમતની લડત

જૂનાગઢ :  9 નવેમ્બર એટલે કે જૂનાગઢનો મુક્તિ દિન. જુનાગઢના નવાબની પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત બાદ આરઝી હુકુમત દ્વારા ત્રણ મહિના સુધી લડત આપવામાં આવી અને અંતે નવમી નવેમ્બર 1947ના રોજ જુનાગઢ ભારતમાં જોડાયું. જેથી નવમી નવેમ્બરને જુનાગઢના મુક્તિ દિન તરીકે ઉજવવામાં આવે છે.

15મી ઓગસ્ટ, 1947ના રોજ સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ખુશી મનાવી રહ્યો હતો, ત્યારે જૂનાગઢના નવાબ મહાબતખાન-ત્રીજાએ દિવાન શાહનવાઝ ભૂટોની કાન ભંભેરણી બાદ જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરવામાં આવતાં રાજ્યની બહુમતી પ્રજાને આંચકો લાગ્યો હતો. ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આ નિર્ણય તદ્દન અવ્યવહારુ હતો. નવાબના આ નિર્ણય સામે સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ સાથે આરઝી હુકુમતની લડત ત્રણ મહિના સુધી ચાલી હતી. આ આરઝી હુકુમતની લડત દેશની નવી પેઢીને અખંડિતતા સાથે લોકશક્તિ માટે પ્રેરણા આપે છે.

નિર્ણયને લઈ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

આરઝી હુકુમતની લડાઈ ત્રણ મહિના સુધી ચાલી હતી. પ્રારંભમાં મુંબઈમાં રહેતા જૂનાગઢ-કાઠીયાવાડ વાસીઓ દ્વારા 19મી ઓગસ્ટ, 1947ના રોજ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ  હતી. જેમાં ઢેબરભાઈ, શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ જેવા નામી આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં નવાબ મહાબતખાન ત્રીજાને સમજાવવા એક પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી થયું હતું. ત્યારબાદ મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ જૂનાગઢની ‘આરઝી હકૂમત’ નામની સમાંતર સરકાર સ્થાપી, જેને જૂનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી. આ સરકારનો અને જૂનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો.

junagadh mukti din

આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા અને ‘વંદે માતરમ્’ દૈનિકના તંત્રી શામળદાસ ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેમના પ્રધાનમંડળના અન્ય સભ્યોમાં ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ સમાવિષ્ટ હતા અને પછીથી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતાં.

ભારતનાં અનેક મોટાં શહેરોમાં જૂનાગઢ બહિષ્કાર સમિતિઓ રચાઈ

આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરત બે દિવસ બાદ (30 સપ્ટેમ્બરે) રાજકોટમાંનું ‘જૂનાગઢ હાઉસ’ (હાલનું સરદારબાગ અતિથિગૃહ) કબજે કરી રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું હતું. ત્યારબાદ તેણે જૂનાગઢના આર્થિક બહિષ્કારના કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત લીધી હતી. સૌરાષ્ટ્ર તેમજ ભારતનાં અનેક મોટાં શહેરોમાં જૂનાગઢ બહિષ્કાર સમિતિઓ રચાઈ હતી. વિજયા દશમીના દિવસે આરજી હકુમતે સૌપ્રથમ અમરાપુર ગામ પર કબજો મેળવ્યો હતો. આરઝી હકૂમતની લડતમાં અનેક નામી અને અનામી આગેવાનો-સ્વાતંત્ર વીરો જોડાયા હતા. તેમાંના એક બિલખાના દુર્લભજીભાઈ નાગ્રેચાનું પણ યોગદાન હતું. તેઓ આરજી હુકુમતના ગુપ્તચર વિભાગમાં સેવા આપી હતી અને તેમના પત્ની વિજયાલક્ષ્મી બેને મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું હતું.

જુનાગઢ આઝાદ થતાં સૌપ્રથમ ઉપરકોટમાં લહેરાયો હતો તિરંગો 

આરઝી હકુમતના કાર્યકરો, સેનાનીઓ અને સમર્થકો એક પછી એક ગામ કબજે કરવા લાગતા અંતે લોકશક્તિનો વિજય થયો હતો અને જૂનાગઢના નવાબે જુનાગઢ રાજ્ય છોડી દેતા અંતે નવમી નવેમ્બર 1947ના રોજ જુનાગઢ આઝાદ થયો હતો અને સૌ પ્રથમ ઉપરકોટમાં તિરંગો લહેરાયો હતો. ત્યારબાદ ૧૩  નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જૂનાગઢની મુલાકાત દરમિયાન બહાઉદીન કોલેજના મેદાનમાં લોકમત લેવામાં આવ્યો હતો જેમાં લોકોએ ભારતમાં જોડાવાનો મત આપ્યો હતો.

આ પણ જુઓ :જુનાગઢ: ૨૩મી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે

Back to top button