તાપી-કરજણ લીફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ : ટૂંક સમયમાં કરાશે લોકાર્પણ, સુરત-નર્મદા જિલ્લાને થશે ફાયદો


ગાંધીનગર, 21 ફેબ્રુઆરી : સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ.૬૫૧ કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે તેવું જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે.
વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી મુકેશભાઈ પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીનું એક પણ ટીંપુ વેડફાય નહીં અને ખેડૂતોને વધુ ને વધુ સિંચાઈની સુવિધા મળે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને અનેકવિધ સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. તાપી-કરજણ લીફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે. જેમાં ૨૧૨ મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે.
આ યોજના થકી સુરત અને ઉંમરપાડાના ૭૩ ગામોમાં ૫૩,૭૪૮ એકર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ૫૧ ગામોમાં ૩૫,૯૪૬ એકર વિસ્તાર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામોમાં ૧૭,૮૦૨ એકર વિસ્તારનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે આ, યોજના થકી ૯૯ હયાત ચેકડેમ તેમજ ૪ નવા ચેકડેમો મળી કુલ ૧૦૩ ચેકડેમોમાં પાણી ભરવામાં આવનાર છે આ યોજના હેઠળ ચાર પંપિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં ત્રણ પંપિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બે પંપિંગ સ્ટેશનનું ૭૦% કામ પૂર્ણ થયેલ છે જે સત્વરે પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો :- CMO માં કેજરીવાલની એક નિશાની જેમ ની તેમ રાખતા નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા, આપ થશે રાજી