હિટવેવની ઝપેટમાં ભારતનો 90 ટકા હિસ્સો, દિલ્હીવાસીઓ માટે ખતરનાક સ્થિતિ
દેશભરમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે જેના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીની અસર એવી જોવા મળી રહી છે કે લોકોમાં હિટસ્ટ્રોકના કેસો દેખાવા લાગ્યા છે. આ દરમિયાન, હવે હિટવેવને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ અનુસાર, હવામાનમાં પરિવર્તનને કારણે ભારતમાં હિટવેવ વધુ અને ગંભીર બની રહી છે. દેશનો 90 ટકા ભાગ હિટવેવની ઝપેટમાં છે. તો બીજી તરફ, રાજધાની દિલ્હીમાં હિટવેવને કારણે સ્થિતિ સૌથી ખતરનાક બની છે.
રામિત દેબનાથ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના સહકર્મીઓ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ સૂચવે છે કે દિલ્હી ખાસ કરીને તીવ્ર ગરમીની અસરો માટે સંવેદનશીલ છે. અભ્યાસમાં જણાવાયું છે કે હિટવેવ્સે સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)ને હાંસલ કરવાની દિશામાં ભારતની પ્રગતિમાં અગાઉ જે વિચાર્યું હતું તેના કરતાં વધુ અવરોધ ઊભો કર્યો છે.
હિટવેવથી મૃત્યુઆંક
ભારતમાં છેલ્લા 50 વર્ષમાં હિટવેવના કારણે 17,000 લોકોના મોત થયા છે. 2021માં પ્રકાશિત એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે 1971થી 2019 સુધીમાં દેશમાં હિટવેવને કારણે 706 લોકોના મોત થયા હતા. તો, નવી મુંબઈમાં તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના એવોર્ડ સમારોહમાં હિટસ્ટ્રોકથી 13 લોકોના મોત થયા હતા.