પાટણના હારીજ તાલુકાના દુનાવાડા ગામે 9 રાઉન્ડ ફાયરિંગ, જાણો આખો બનાવ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં 9 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક યુવકે જૂની અદાવતમાં રિવોલ્વરથી ધડાધડ ગોળીઓ વરસાવતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ત્રણેય ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રણ ઇજાગ્રસ્તોમાંથી એક ગંભીર
મળતી માહિતી મુજબ, દુનાવાડા ગામે કોઈ અંગત અદાવતને લઈને એક શખસ દ્વારા રિવોલ્વરમાંથી 9 જેટલા રાઉન્ડ ફાયરિંગ પોતાના જ ગામના સુથાર શિવાભાઈ હીરાભાઈ, પટ્ટણી સોનાજી તેમજ પટ્ટણી વિજય નામના ત્રણ વ્યક્તિઓ ઉપર કરાતા તેઓને શરીરના જુદા જુદા ભાગોમાં ગોળી વાગતા ગંભીર ઈજાઓ સાથે ત્રણેય ઈસમોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ સુથાર શિવાભાઈ હીરાભાઈને છાતીના ભાગે બે ગોળી તેમજ માથાના ભાગે બે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આ બનાવમાં વધુ જાણવા મળ્યા મુજબ પટ્ટણી સોનાજી ઉંમર વર્ષ 55ને પણ માથાના ભાગે ગોળી વાગી હોઇ 15 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. તો પટ્ટણી વિજય નામના 30 વર્ષીય યુવાનને કાનના ભાગેથી ગોળી સરકીને જતી રહેતા તેને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ હારીજ પોલીસને તેમજ પાટણ એલસીબી ટીમને થતા તેઓએ તાત્કાલિક દુનાવાડા ગામે પહોંચી જઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.