શેખ હસીનાની મુશ્કેલીમાં વધારો: હત્યા અને અપહરણ સાથે જોડાયેલા વધુ નવ કેસ નોંધાયા
- બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ નોંધાયેલા કેસની સંખ્યા 31 પર પહોંચી ગઈ
ઢાકા, 21 ઓગસ્ટ: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતો ઓછી થઈ રહી નથી. ફરી એકવાર તેમની અને તેમના સહયોગીઓ વિરુદ્ધ નવ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. તે મુજબ તેની સામે નોંધાયેલા કેસની સંખ્યા હવે 31 પર પહોંચી ગઈ છે. જેમાંથી 26 કેસ હત્યા, ચાર માનવતા વિરુદ્ધ અપરાધ અને નરસંહારના આરોપ તેમજ એક અપહરણ સાથે જોડાયેલા છે. ડેઈલી સ્ટાર અખબારના અહેવાલ મુજબ, હિફાઝત-એ-ઈસ્લામના જોઈન્ટ જનરલ સેક્રેટરી મુફ્તી હારુન ઈઝહર ચૌધરીની તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ ગાઝી એમ.એચ. તમિમે બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરી છે
હવે શા માટે દાખલ કરવામાં આવી ફરિયાદો?
તાજેતરની ફરિયાદોમાં શેખ હસીના અને અન્ય 23 લોકો પર 5 મે, 2013ના રોજ મોતીઝીલના શાપલા છત્તરમાં હિફાઝત-એ-ઈસ્લામની રેલી દરમિયાન માનવતા વિરુદ્ધ નરસંહાર કરવાનો આરોપ છે. એક બાંગ્લાદેશી અખબારે તપાસ એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર અતાઉર રહેમાનને ટાંકીને જણાવ્યું હતું કે, ‘અમે ફરિયાદ નોંધી છે અને તપાસ આજથી શરૂ થઈ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં આ ચોથી ફરિયાદ છે.’
આ ઉપરાંત મંગળવારે દેશભરમાં શેખ હસીના વિરુદ્ધ વધુ આઠ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં તાજેતરના વિરોધ દરમિયાન તેમની પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો તેમ એક અખબારે અહેવાલ આપ્યો છે. આ કેસો સાથે, શેખ હસીના હવે 31 કેસોનો સામનો કરી રહી છે, જેમાં 26 હત્યાના આરોપ, ચાર અપરાધ અને નરસંહારના આરોપ તેમજ એક અપહરણના કેસનો સમાવેશ થાય છે. અખબાર અનુસાર, શેખ હસીનાના પુત્ર અને પુત્રીને પણ હત્યાના કેસમાં સહ-આરોપી બનાવવામાં આવ્યા છે.
હિફાઝત-એ-ઈસ્લામ કેસના મુખ્ય આરોપીઓમાં અવામી લીગના મહાસચિવ અને ભૂતપૂર્વ માર્ગ પરિવહન અને પુલ પ્રધાન ઓબેદુલ કાદર, ભૂતપૂર્વ પ્રધાન રાશિદ ખાન મેનન, ઢાકા દક્ષિણ સિટી કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર શેખ ફઝલે નૂર તપોશ, વડાપ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર સલમાન એફ રહેમાન, વડાપ્રધાનના પૂર્વ સુરક્ષા સલાહકાર તારિક અહમદ સિદ્દીકી, પૂર્વ પોલીસ મહાનિરીક્ષક શાહિદુલ હક જેવા લોકોનો સમાવેશ થાય છે.
આ પણ જૂઓ: મંકીપોક્સના લક્ષણો અંગે AIIMSએ જાહેર કરી SOP, જાણો શું છે ?