સુરતમાં ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત 8મી ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’નો પ્રારંભ
- ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. રામ માધવે ભારતના ભવિષ્યને વધુ મજબુત બનાવવા માટે યુવાનોને તમામ ક્ષેત્રમાં આગળ આવવા માટે આહ્વાન કર્યું
- ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને આગળ રાખી કામ કરી શકે એવા યુવાનોની ટીમ રાજ્યના તમામ જિલ્લાઓમાં બને: ડૉ. જીગર ઈનામદાર
- ગુરૂકુળ પદ્ધતિના શિક્ષણને શાળાકીય શિક્ષણ વ્યવસ્થામાં ફરી દાખલ કરવી જોઈએ : ડૉ. માલા કાપડીયા
સમન્વય પ્રતિષ્ઠાન અને ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિસરાતા વ્યવહાર, સામાજિક અને પારિવારિક વ્યવસ્થા, વિસરાતી શિક્ષણ વ્યવસ્થા, તહેવારો અને ધર્મ વ્યવસ્થા વિસરાતી રમતો સહિતના મુદ્દાઓ પર વિચારશીલોનું મનોમંથન
સુરત, 10 ઓગસ્ટ, 2024: વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ને સાકાર કરવા વિભિન્ન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સંકલ્પને વધુ આગળ ધપાવવા વિકસિત ભારત-2047 અંતર્ગત 8મી ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’ આગામી 9-11 ઓગસ્ટ 2024 દરમિયાન સુરત સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે યોજાઈ રહી છે. . સમન્વય પ્રતિષ્ઠાન અને ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મીટમાં વિસરાતા વ્યવહાર, સામાજિક અને પારિવારિક વ્યવસ્થા, વિસરાતી શિક્ષણ વ્યવસ્થા, વિસરાતી સ્વ-વિકાસ વ્યવસ્થા, વિસરાતી અર્થવ્યવસ્થા, વિસરાતી પર્યાવરણીય અને કૃષિ વ્યવસ્થા, વિસરાતા તહેવારો અને ધર્મ વ્યવસ્થા વિસરાતી રમતો સહિતના વિભિન્ન વિષયો ઉપર વિશેષજ્ઞો દ્વારા ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાત યંગ થિંકર્સ મીટના ઉદઘાટન સત્રમાં, ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. રામ માધવે ભારતના ભવિષ્યને વધુ મજબુત બનાવવા માટે યુવાનોને તમામ ક્ષેત્રમાં આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. અર્થપૂર્ણ પરિવર્તન લાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી યુવાનોની મજબુત ભાગીદારી પર ભાર મૂક્યો હતો. આ સિવાય ઓરો યુનિ.ના સ્થાપક એચ.પી.રામાએ મહર્ષિ અરવિંદના રાષ્ટ્રવાદથી યુવાનોને અવગત કર્યા હતા. ગુજરાત યંગ થિંકર્સ મીટના સ્વપ્નદ્રષ્ટા અને એમ.એસ. યુનિ.ના પૂર્વ સેનેટ મેમ્બર એવા જીગર ઇનામદરે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત એક એક યુવા પોતાના વિસ્તારમાં સામજિક ઉત્થાન માટે કાર્ય કરી પોતાનું યોગદાન આપી શકે છે. આપની આસપાસની સંકુચિત વિચારધારાના વાળાઓ ઓળંગીને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આગળ રાખી કામ કરી શકે એવા યુવાનોની ટીમ રાજ્યના તમામ જિલ્લાઓમાં બને તેવો સહિયારો પ્રયાસ આપણે કરવો જોઈએ.
વિસરાતી શિક્ષણ વ્યવસ્થા વિશે યોજાયેલા સેશનમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યકેશનના વેલબીઈંગ, હેપીનેસ બેઝ્ડ ઓન આયુર્વેદ વિષયના પ્રિન્સીપલ ઇન્વેસ્ટીગેટર અને આનંદી ફાડેઉન્ડેશનના સેન્ટર ફોર ઈન્ડીજિનિયસ નોલેજ સિસ્ટમના સેન્ટર ડાયરેક્ટર ડૉ. માલા કાપડીયાએ જણાવ્યું હતું કે, માનવ ધર્મ અને મૂલ્યો આધારિત ભારતીય શિક્ષણ વ્યવસ્થા દ્વારા આજના યુવાનોને આગળ વધવુ જોઈએ. ધર્મ વગરની સિદ્ધી અર્થહીન છે. પાશ્ચાત્ય શિક્ષણ વ્યવસ્થાથી પ્રભાવિત થયા વગર ગુરૂકુળ પદ્ધતિના શિક્ષણને શાળાકીય શિક્ષણ વ્યવસ્થામાં ફરી દાખલ કરવી જોઈએ. આપણી પૌરાણિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા આત્મા અને હ્રદયને સાધીને શિક્ષણ આપવામાં આવતું હતું. – ખંડિત વિરાસત ને જોડવાની જવાબદારી યુવાનોના માથે, ભારતીય જ્ઞાન પરંપરા આપણને જીવન દ્રષ્ટિ આપે છે. ભારતીય સંસ્કૃતિ સંવાદની સંસ્કૃતિ છે. વિસરાતી વિરાસત ને પુનઃ સ્થાપિત કરવાની જવાબદારી આપણી છે.
ઉલ્લેખનીય છે કે, પડકારો તો સનાતન છે ફક્ત એનાં સ્વરૂપ બદલાય છે,પડકારો સામે બાથ ભીડી સમસ્યાથી સમાધાન તરફની સહિયારી યાત્રાના સ્વપ્નદ્રષ્ટા અને વડોદરા MSUના સેનેટ-સિન્ડિકેટ સભ્ય એવા જીગર ઈનામદાર અને તેમની ટીમે યુવા વિચારકોને અર્થપૂર્ણ ચર્ચાઓમાં યોગદાન આપવા અને આપણા સમૃદ્ધ વારસાને જાણવા, માણવાની સાથે આગામી પેઢી સુધી આપણા સમૃદ્ધ વારસાને પહોંચાળવાના લક્ષ્ય સાથે 8મી ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’માં આમંત્રિત કર્યા છે.
આ પણ વાંચોઃ કંગના રાણવતે કોને કહ્યું, સ્વબચાવ માટે દરરોજ પ્રેક્ટિસ કરો, સજ્જ થાવ?