ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં 8611 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ
- ધરોઈ જળાશયની જળ સપાટી 71.62% ટકાએ પહોંચી
- ડેમમાં 8611 હજાર ક્યુસેક પાણીની આવક
- આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે ભારેથી હળવા વરસાદ વચ્ચે ઉત્તર ગુજરાત માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. ધરોઈ જળાશયની જળ સપાટી 71.62% ટકા ઉપર પહોંચી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં 8611 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ જળાશય 71.62%થી વધુ ભરાયો છે. હજુ પણ રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત માટે પીવાના તેમજ સિંચાઈના પાણી માટેનો એકમાત્ર સ્ત્રોત કહેવાય છે. ડેમની કુલ જળસપાટી 622 ફૂટ છે, તેની સામે ડેમની હાલની જળસપાટી 614.18 ફૂટ નોંધાઈ છે.
ભાદર-2 ડેમના 6 દરવાજા 4 ફુટ ખોલાયા
રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળતી માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે ધોરાજીના ભાદર-2 ડેમનાં 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. 4 ફૂટ સુધી દરવાજા ખોલીને 47364 કયુસેક પાણીની આવક સામે 31590 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. મોટી માત્રામાં પાણીની આવક છોડવામાં આવી રહ્યો હોવાથી ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા તથા ઉપલેટાના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા જણાવાયું છે.
આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ હાલ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.
ડેમની હાલની જળ સપાટી 614.23 ફુટ થઈ
રાહતની વાત છે કે, ધરોઈ ડેમની સપાટી હવે રુલ લેવલ તરફ આગળ વધી રહી છે. રુલ લેવલ 618.04 ફુટ છે અને હાલની જળ સપાટી 614.23 ફુટ થઈ ચુકી છે. આમ ધરોઈ ડેમની જળ સપાટી હવે રુલ લેવલથી થોડેક દૂર હોવાથી જો રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં એક સારો રાઉન્ડ વરસાદનો આવતા જ સાબરમતી નદીમાં પાણી છોડવાની સ્થિતી સંભવી શકે છે. રુલ લેવલ પર જળ સપાટી પહોંતચા જ ડેમના દરવાજા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે. જોકે ડેમની મહત્તમ સપાટી 622.04 ફુટ છે. જ્યાં સુધી પહોંચતા ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યામાં મોટી રાહત સર્જાઈ શકે છે.
આ પણ વાંચો : ટાઈટેનિકને પણ ટક્કર આપનારી ક્રુઝ જાન્યુઆરીમાં થશે લોન્ચ , જાણો શું છે તેની વિશેષતા