ગાંધીનગર, 30 નવેમ્બર: ઇન્ડિયન રોડ કોંગ્રેસનું (IRC) 82મું વાર્ષિક સત્ર 2થી 5 ડિસેમ્બર 2023 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. 1 ડિસેમ્બર 2023ના રોજ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ એક ટેક્નિકલ પ્રદર્શનને ખુલ્લું મુકશે. આ કાર્યક્રમમાં, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિવિધ વિષયો પર ચર્ચા, સંવાદ અને રિસર્ચ પેપર રજૂ કરીને, દેશના રોડના માળખાને આગળ લઇ જવાની દિશામાં સંવાદ કરવામાં આવશે.કાર્યક્રમના ભાગરૂપે 3 ડિસેમ્બરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમને સંબોધિત કરશે. આ પહેલા વર્ષ 2004માં ગુજરાતમાં IRCનું સત્ર યોજવામાં આવ્યું હતું.
ઇનફ્રાસ્ટ્રક્ચરને લગતી માહિતીનું આદાનપ્રદાન થશે
ઇન્ડિયન રોડ કોંગ્રેસના આ 82મા વાર્ષિક સત્રમાં, 2થી 5 ડિસેમ્બર દરમિયાન, IIT, NIT અને અન્ય જાણીતી એન્જિનિયરિંગ કૉલેજ અને રિસર્ચ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાનિકો, આર એન્ડ ડીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર્સ, કન્સલટન્ટ્સ અને એનજીઓ માટે માહિતીસભર ટેક્નિકલ સત્રો યોજાશે. આ સત્રોના માધ્યમથી તેમની વચ્ચે રોડ, ટનલ, બ્રીજ, સી-લીંક, પહાડી રસ્તા અને અન્ય સંલગ્ન ઇનફ્રાસ્ટ્રક્ચરને લગતી મૂલ્યવર્ધક માહિતીનું આદાનપ્રદાન થશે અને તેઓ એકબીજાને તેમના નવીન આઇડિયા એક્સચેન્જ કરી શકશે. આ અધિવેશનમાં દેશભરમાંથી 4000થી વધુ એન્જિનિયર્સ સામેલ થશે.આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો તેમના રિસર્ચ પેપર રજૂ કરીને, તેમના અનુભવો સૌની સમક્ષ રજૂ કરશે.
ટેક્નિકલ પ્રદર્શનમાં દેશની 120 કંપનીઓ જોડાશે
ગુજરાત સરકાર તરફથી મંત્રી ઋષિકેશ પટેલ 1 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે, એક ટેક્નિકલ પ્રદર્શનને ખુલ્લું મુકશે. આ પ્રદર્શન મહાત્મા મંદિર ખાતે 10500 ચો. મીટર વિસ્તારમાં બે પ્રદર્શન હોલમાં રજૂ કરવામાં આવશે. આ ટેક્નિકલ પ્રદર્શનમાં સમગ્ર દેશમાંથી 120થી વધુ કંપનીઓ જોડાશે. આ કંપનીઓ રોડ અને બ્રીજથી સંલગ્ન ઉદ્યોગોમાં સંકળાયેલી છે. આ પ્રદર્શનના માધ્યમથી, મુલાકાતીઓ રોડ સુરક્ષા, એરિયલ ટ્રાફિક મેનેજમેન્ટ, બ્રીજ અને બિલ્ડિંગ ડિઝાઇનને લગતા સોફ્ટવેર તેમજ આ ક્ષેત્રથી સંબંધિત વિવિધ માહિતી અને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે રૂબરૂ થશે.
ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) વિષે
ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) એ દેશમાં હાઇવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા છે. ભારતમાં માર્ગ વિકાસના ઉદ્દેશ્ય સાથે IRC ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. IRC એ પરિવહન આયોજન અને ટ્રાફિક એન્જિનિયરિંગ, ફ્લેક્સિબલ પેવમેન્ટ અને એરફિલ્ડ્સ અને રનવે કમિટી, જમીન સુધારણા અને ડ્રેનેજ, ગ્રામીણ રસ્તાઓ, રોડ મેન્ટેનન્સ અને એસેટ મેનેજમેન્ટ, માર્ગ સલામતી અને ડિઝાઇન, શહેરી રસ્તાઓ, શેરીઓ અને વાહનવ્યવહાર, પહાડી રસ્તાઓ અને ટનલ તેમજ પુલોની ડિઝાઇન, સ્ટીલ અને સંયુક્ત માળખું, પુલોનું વ્યવસ્થાપન, જાળવણી અને પુનર્વસન તેમજ સી-લીંક જેવા વિશેષ પુલોના નિર્માણ ક્ષેત્રે કામ કરે છે. IRC રોડ અને પુલ માટેના માનકો બનાવવાનું તેમજ તેમના વ્યવસ્થાપનની કામગીરી કરે છે.