ગુજરાતના બે શિક્ષક, એક પ્રાધ્યાપક સહિત 82 શિક્ષકોને રાષ્ટ્રપતિ આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રદાન કરશે
- દરેક એવોર્ડમાં મેરિટનું સર્ટિફિકેટ, 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને એક સિલ્વર મેડલ આપવામાં આવે છે
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ આવતીકાલે 5 સપ્ટેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગુજરાતના બે શિક્ષક, એક પ્રાધ્યાપક સહિત 82 પસંદ કરાયેલા વિજેતાઓને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. દર વર્ષે ભારત 5 સપ્ટેમ્બરે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીને રાષ્ટ્રીય શિક્ષક દિવસના રૂપમાં મનાવે છે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશમાં શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો અને તે શિક્ષકોનું સન્માન કરવાનો છે, જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ દ્વારા, માત્ર શિક્ષણની ગુણવત્તામાં સુધારો જ કર્યો નથી, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. દરેક એવોર્ડમાં મેરિટનું સર્ટિફિકેટ, 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને એક સિલ્વર મેડલ આપવામાં આવે છે. પુરસ્કાર વિજેતાઓને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવાની તક પણ મળશે.
ત્રણ તબક્કા દ્વારા શિક્ષકોની પસંદગી
શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે આ વર્ષના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે 50 શિક્ષકોની પસંદગી કરી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની પસંદગી પ્રક્રિયા એટલે કે, સખત પારદર્શક અને ઓનલાઇન ત્રણ તબક્કા દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે. પસંદ કરાયેલા 50 શિક્ષકો 28 રાજ્યો, 3 કેન્દ્રશાસિત પ્રદેશો અને 6 સંસ્થાઓના છે. પસંદ કરેલા 50 શિક્ષકોમાંથી, 34 પુરુષો છે, 16 સ્ત્રીઓ છે, 2 અલગ રીતે સક્ષમ છે અને 1 CWSN સાથે કામ કરે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગના 16 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયના 16 શિક્ષકોને પણ પુરસ્કાર આપવામાં આવશે.
NEP 2020એ માન્યતા આપે છે કે પ્રેરિત, ઊર્જાવાન અને સક્ષમ ફેકલ્ટી વિદ્યાર્થીઓ, સંસ્થા અને વ્યવસાયના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. તે શિક્ષણ ઇકોસિસ્ટમમાં શ્રેષ્ઠતાની સંસ્કૃતિ કેળવવા માટે પુરસ્કારો અને માન્યતા જેવા પ્રોત્સાહનોની પણ કલ્પના કરે છે. જેમ કે, વર્ષ 2023માં, NATની છત્રછાયા હેઠળ એચ.ઈ.આઈ. અને પોલિટેકનિક માટે બે કેટેગરીના પુરસ્કારો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અત્યાર સુધી માત્ર શાળાના શિક્ષકો સુધી મર્યાદિત હતો. પસંદ કરાયેલા 16 શિક્ષકો પોલિટેકનિક, રાજ્ય યુનિવર્સિટીઓ અને કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના છે.