રાજકોટમાંથી પનીર બનાવતી મીની ફેક્ટરી મળી આવી, 800 કિલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જૂઓ વીડિયો
રાજકોટ, 9 જાન્યુઆરી : રાજકોટ શહેરના શિતલપાર્ક વિસ્તારમાંથી 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. શહેર એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ રહેલ સ્ટાફે દરોડા પાડતાં ત્યાંથી 800 કિલો પનીર મળી આવતા આ જથ્થો સીઝ કરી તે ડુપ્લીકેટ છે કે કેમ ? તે અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને કુલ રૂ. 1.31 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટમાંથી પનીર બનાવતી મીની ફેકટરી ઝડપાઈ#rajkot #paneer #factory #viralvideoシ #humdekhengenews pic.twitter.com/y1KsjoG5lb
— Hum Dekhenge News (@humdekhengenews) January 9, 2025
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ રહેલ સ્ટાફે શિતલપાર્ક વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગર-6માં આવેલા ગુજરાત ફૂડસ નામના કારખાનામાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કારખાનામાંથી મોટાપાયે પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ અંગે તપાસ કરતા ગુજરાત ફૂડસ નામનું કારખાનું હાર્દિક ઘનશ્યામભાઇ કારિયાનું હોવાનું જાણવા મળ્યું હતું જેથી વધુ તપાસ દરમિયાન આ કારખાનામાંથી 800 કિલો જેટલો પનીરનો શંકાસ્પદ જથ્થો હોવાનું ખૂલ્યુ હતું.
જે બાદ તેમાં વધુ તપાસ કરતાં ગેરકાયદે 21 જેટલા ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ ઉપરાંત એસિટિક એસિડ, પનીર પેક કરવા માટેના બોક્ષ તેમજ સ્ટિકર અને વિશ્ર્વાસ ગોલ્ડ નામના પામોલિન તેલના ચાર ડબ્બા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1,31,030ની મત્તા મળી આવતા કબજે કરવામાં આવી હતી. આ શંકાસ્પદ પનીરનો જથ્થો ડુપ્લીકેટ છે કે કેમ ? તે જાણવા માટે નમૂના પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને હાલ હાર્દિક કારિયા સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :- રાજકોટમાંથી 2.13 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે કોલેજીયન ઝડપાયો