800 કરોડની કંપનીના માલિક જયસુખ પટેલનું નવુ સરનામુ, ‘મોરબી સબ જેલની ખોલી નંબર 9’
મોરબી બ્રિજ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે જેલમાં બંધ જ્યસુખ પટેલને લઈને સમાચાર સામે આવ્યા છે કે જયસુખ પટેલને મોરબી સબ જેલની ખોલી નં-9 માં રાખવામા આવ્યા છે. આ ખોલીમાં જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટિફિનનની મંજૂરી આપવામાં આવી છે. આ જેલમાં જયસુખ પટેલ સાથે આ ઘટનાના અન્ય બે આરોપીઓ 2 મેનેજર અને ક્લાર્ક પણ જેલમાં બંધ છે.
જયસુખ પટેલ જેલમાં આવી રીતે રહે છે
કહેવાય છે કે સમય બહુબળવાન હોય છે. 800 કરોડની કંપનીનું સામ્રાજ્ય ધરાવતા અને વિશ્વને સમય જોવા માટે ઘડિયાળ સહિતના ડિજિટલ ઉત્પાદનો બનાવનાર ઓરવાના કંપનીના માલિક હાલ જેલમાં સમય પસાર કરી રહ્યા છે. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાએ જયસુખ પટેલનો સમય બદલી નાખ્યો છે. જાણકારી મુજબ મોરબી જેલમાં બંધ જયસુખ પટેલને હાલ કોઈ વિશેષ સવલતો નથી મળી રહી. જયસુખ પટેલ મોરબી જેલમા ખોલી નંબર 9માં ઘરના ગાદલા અને ઘરનું ટિફિન જમવાની સાથે પોતાની કંપનીના જ ચાર લોકો સાથે રહે છે. અને જેલમાં અખબાર અને પુસ્તકોનું વાંચન કરે છે.
પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જેલ હવાલે કરાયો હતો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : IPL 2023: ઋષભ પંતના સ્થાને આ ખેલાડી બન્યો દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન