આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ 80 માછીમારો આજે વતન પરત ફરશે

  • પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને મુક્ત કરાયા
  • છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ 80 ભારતીયો આજે અટારી બોર્ડર પહોંચશે
  • ત્રણ વર્ષ પહેલા આ લોકો ભૂલથી પાકિસ્તાની ક્ષેત્રીય જળસીમા પાર કરી ગયા હતા

કરાંચી: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીયોના પરિવારજનો માટે સારા સમાચાર છે. પાકિસ્તાને ત્યાં જેલમાં બંધ 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ 80 માછીમારો લગભગ 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. તેઓ ભૂલથી પાકિસ્તાનની દરિયાઈ સરહદ પાર કરી ગયા હતા. પરંતુ આખરે હવે તેમને પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે ગુરુવારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેતા 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારોને લેવા માટે ગુજરાત સરકારની એક ટીમ પંજાબ પહોંચી હતી.

80 માછીમારો આજે તેમના વતન પરત ફરશે

પાકિસ્તાન સરકાર દ્વારા ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ અને નાગરિકોને પાકિસ્તાનમાંથી બહાર કાઢવા માટે ચાલી રહેલા ઓપરેશનના ભાગરૂપે ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. કરાંચીની જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતીય માછીમારોને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા હતા. તેઓ આજે લાહોર પહોંચશે. જ્યાંથી તેમને વાઘા/અટારી બોર્ડર પર લઈ જવામાં આવશે અને પછી ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે.

ભારતીય માછીમારો 3 વર્ષ પછી તેમના પ્રિયજનોને મળશે

ઈધી વેલ્ફેર ટ્રસ્ટના ફૈઝલ ઈધીએ કહ્યું કે, મોટાભાગના ભારતીય માછીમારો ગરીબ છે. તે ઘરે પરત ફરીને ખૂબ જ ખુશ છે. ઈધી વેલ્ફેર ટ્રસ્ટે ખુદ ભારતીય માછીમારોને લાહોર પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે, માછીમારો ખુશ છે કે તેઓ ટૂંક સમયમાં તેમના પરિવારને મળશે. અમે તેમને ઘર લઈ જવા માટે કેટલીક રોકડ અને અન્ય ભેટ પણ આપી છે.

ભારતમાં અટારી બોર્ડરથી પ્રવેશ થશે

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવા બદલ એકબીજાના માછીમારોની ધરપકડ કરતા રહે છે. અમદાવાદમાં ગુજરાતના ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, માછીમારોને આજે બપોરે અટારી-વાઘા બોર્ડર પર અમારી ટીમને સોંપવામાં આવશે. તેઓ ગુજરાતના વિવિધ ભાગોના છે. અમે તેમને ટ્રેન દ્વારા ગુજરાત લાવીશું.

પાકિસ્તાનમાં હાલમાં કેટલા માછીમારો બંધ છે?

એક એનજીઓ ઈન્ડિયા પાકિસ્તાન પીપલ્સ ફોરમ ફૉર પીસ એન્ડ ડેમોક્રેસીના સભ્ય જીવન જુંગીએ કહ્યું કે, આ 80 માછીમારોને લગભગ ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાનની પ્રાદેશિક જળસીમામાં માછીમારીના આરોપમાં પકડવામાં આવ્યા હતા. તેઓ 2020 માં ગુજરાતના દરિયાકાંઠેથી નીકળ્યા હતા. અમારા રેકોર્ડ મુજબ હાલમાં 173 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. મે અને જૂનમાં, પાકિસ્તાન સરકારે લગભગ 400 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા જેમની આ જ આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ  વાંચો, આયુર્વેદ દિવસ: ભુજમાં વિનામૂલ્યે નિદાન – સારવાર કેમ્પ યોજાશે

Back to top button