નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષનો સફર પૂર્ણ કરી લીધો છે. 26 મે, 2014નાં રોજ નરેન્દ્ર મોદીએ પહેલી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને વર્ષ 2019માં બીજી વખત PM બન્યા. આ દરમિયાન મોદીનો કાર્યકાળ ઘણો જ ઉતાર-ચઢાવવાળો રહ્યો. છેલ્લાં આઠ વર્ષમાં પોલિટિક્સથી ડિપ્લોમેસી સુધી ક્યારેક તેમના કામની પ્રશંસા થઈ તો ક્યારેક તેમના નિર્ણય પર સવાલ પણ ઉઠ્યા. ત્યારે આજે આપણે વાત કરીએ મોદી સરકારના સૌથી મુશ્કેલ મોમેન્ટ અને તેમની યોજનાઓ જેના થકી તેમની લોકપ્રિયતામાં વધારો થયો. તૌ સૌથી પહેલા વાત કરીએ મોદી સરકારના મુશ્કેલ નિર્ણયોની
કૃષિ કાયદોઃ સૌથી મોટો અને સૌથી મુશ્કેલ નિર્ણય
મોદી સરકારના 8 વર્ષ દરમિયાન સૌથી ટફ નિર્ણય કૃષિ કાયદાનો હતો. કૃષિ ક્ષેત્રના સુધારા માટે મોદી સરકાર ત્રણ કૃષિ કાયદા લઈને આવ્યા ત્યારે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ સંસદમાં કાયદો પસાર થતાં જ પંજાબના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ હરિયાણા અને યુપી સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોએ વિરોધ શરૂ કરી દીધો.
ખેડૂતો એટલી હદે નારાજ હતા કે કૃષિ કાયદો પરત ખેંચાય તે માટે દિલ્હી બોર્ડર પર એક વર્ષથી વધુ સમય સુધી ડેરા નાખ્યા. જેમાં અનેક ખેડૂતોએ જીવ પણ ગુમાવવા પડ્યા. આ દરમિયાન ખેડૂત ભાજપના નેતાઓને ગામમાં પણ ઘૂસવા દેવામાં આવતા ન હતા. મોદી સરકારના અનેક પ્રયાસ બાદ પણ ખેડૂતો ટસના મસ ન થયા. ત્યારે અંતે મોદી સરકારે કૃષિ કાયદો પાછો ખેંચવો પડ્યો.
GST: એક દેશ-એક ટેક્સ
મોદી સરકાર માટે GSTનો કાયદો પસાર કરાવવો ઘણો જ પડકારરૂપ રહ્યો. જો કે આ સરકારના સૌથી મોટા નિર્ણયોમાંથી એક છે. GSTને ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સના નામથી ઓળખવામાં આવે છે. આખા દેશમાં માત્ર એક જ ટેક્સ લાગે તે માટે તમામ અપ્રત્યક્ષ કરો જેમકે ઉત્પાદ શુલ્ક, વેટ, સેવા કરને રિપ્લેસ કરી દેવાયો. જુલાઈ 2017માં દેશમાં GST લાગુ તયું.
એક દેશ-એક કાયદાને જોતા GSTનો કાયદો અસ્તિત્વમાં આવ્યો. આ ટેક્સ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ ઈનડાયરેક્ટ ટેક્સના વ્યાપક પ્રભાવને રોકવાનો છે અને દેશભરમાં એક ટેક્સ સિસ્ટમ લાગુ કરાવવાનો હતો. તેમ છતાં GSTને લઈને વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે GSTને લઈને તણાવ જોવા મળે છે. એવામાં મોદી સરકાર માટે GST કાયદો લાવવો અને તેને લાગુ કરાવવો ઘણું મુશ્કેલ રહ્યું.
નોટબંધીઃ એક જ ઝાટકામાં 500-1000ની નોટ બંધ
દેશની સત્તા પર આવ્યાને બે વર્ષ બાદ વડપ્રધાન મોદીએ એક મોટી જાહેરાત કરી જેનાથી દેશભરનો દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. 8 નવેમ્બર, 2016નાં રોજ વડાપ્રધાન મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટને ચલણી નોટ તરીકે રદ કરી દીધી એટલે નોટોનું ડિમોનેટાઈઝેશનની જાહેરાત કરી. સરકારના આ નિર્ણયને નોટબંધ કહેવાય છે.
સરકારે બંધ કરેલા નોટોની બદલે 500 અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરી છે. નોટબંધી પછી મહિનાઓ સુધી દેશમાં લોકો પોતાની જૂની નોટ બદલાવવા માટે ભટકતા રહ્યાં, દેશમાં ભારે અફરાતફરીનો માહલો જોવા મળ્યો. બેંકની બહાર લાંબી લાંબી કતાર જોવા મળી. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે ઘણી જ મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવો
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં સૌથી મોટો અને ટફ નિર્ણય જમ્મુ કાશ્મીર અંગે લીધો. 5 ઓગસ્ટ, 2019નાં રોજ જમ્મુ કાશ્મીર માટે વિશેષરૂપે બનાવવામાં આવેલો આર્ટિકલ 370 તથા અનુચ્છેદ 35-Aની જોગવાઈને અમાન્ય કરી દીધી. આ મોદી સરકારના સૌથી મોટા નિર્ણયોમાંથી એક છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર પ્રાપ્ત હતા. 2019માં બીજી વખત સરકાર બન્યા બાદ સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવી તેને કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કર્યું. આ ઉપરાંત લદ્દાખને એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. મોદી સરકાર માટે આ પગલું પણ ઘણું જ મુશ્કેલ હતુ, પરંતુ સરકારે આ દિશામાં પગલું ભરીને એક દેશ- એક વિધાનનો સંદેશ આપ્યો.
સર્જિકલ-એર સ્ટ્રાઈક
ઉરી હુમલા પછી ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી લોન્ચ પેડ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી મોટી સંખ્યામાં આતંકીઓને સાફ કર્યાં. તો પુલવામાં એટેક પછી ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આંતકી ઠેકાણાંને ધ્વસ્ત કરી દીધા. સર્જિકલ અને એર સ્ટ્રાઈકથી ભારતે જવાબ આપવાની રીત બદલી નાખી હતી, પરંતુ મોદી સરકાર માટે આ નિર્ણય પણ ઘણો જ મુશ્કેલ હતો.
CAA-NRC
મોદી સરકાર 2019માં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા 6 ધર્મના (હિન્દુ, ઈસાઈ, શીખ, જૈન, બૌદ્ધ તથા પારસી)ના શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો લઈને આવ્યા. આ કાયદાને લઈને પૂર્વોત્તરના આસામથી લઈને દિલ્હીમાં આંદોલન થયા. દિલ્હીના શાહીન બાગમાં CAA-NRCને લઈને લાંબુ આંદોલન ચાલ્યું. કેમકે આ કાયદા અંતર્ગત માત્ર 6 શરણાર્થી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે અને તેમાં મુસ્લિમ સમુદાયને બહાર રાખવામાં આવ્યા છે.
મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી આઝાદી
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. જેમાં મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી આઝાદી અપાવવા માટે કાયદો લાવ્યા. આ એક એવો કાયદો છે જેને તત્કાલ ત્રિપલ તલાકને એક ગુનાકીય પ્રવૃતિ બનાવી દીધી. ત્રિપલ તલાક કાયદો જેને સત્તાવાર રીતે મુસ્લિમ મહિલા અધિનિયમ 2019 કહેવાય છે. મોદી સરકારે ત્રિપલ તલાક પર કાયદો લાવ્યા જેનો નિર્ણય પણ ઘણો વિવાદમાં રહ્યો પરંતુ તેને કાયદા અંતર્ગત લાવવામાં આવ્યો. મુસ્લિમ સમુદાયના લોકો ત્રિપલ તલાક કાયદાને લઈને ઘણો વિરોધ વ્યક્ત કર્યો હતો.
NDA સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે તથા મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે. એવી કેટલીક 8 યોજનાઓ વિશે જાણીએ જે મોદીકાળમાં અત્યંત લોકપ્રિય બની છે.
આયુષ્યમાન ભારત યોજના
કેન્દ્ર સરકારનો એક ફ્લેગશિપ કાર્યક્રમ છે. ગરીબોને વિના મૂલ્યે સારી સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા (BPL) નીચે આવતા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સ્વાસ્થ્ય વીમા સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ 10 કરોડ પરિવારોના 50 કરોડ સભ્યોને લાભ મળવાનો સરકારનો દાવો છે. પીએમ મોદીએ પોતે કહેલું છે કે આ યોજના હેઠળ ગંભીર બીમારીઓની સારવા માત્ર સરકારી નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ થઈ શકશે.
જનધન યોજના
આ યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો છે. યોજનાની શરૂઆત 15 ઓગસ્ટ 2014 ના રોજ થઈ હતી. વચેટિયાઓનો ત્રાસ દૂર કરવામાં આ યોજનાએ ભાગ ભજવ્યો છે કારણ કે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની સફળતા પાછળ આ યોજના કારણભૂત છે. અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ ખાતા આ યોજના હેઠળ ખુલ્યા છે. કોરોનાકાળમાં મહિલાઓને જે રાહત મોકલવામાં આવી તે સીધી આ ખાતાઓ દ્વારા તેમને હાથોહાથ મળી. લોકોને હવે બધો લાભ સીધો તેમના સુધી પહોંચી શકે છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
કોરોનાકાળમાં શરૂ થયેલી આ યોજનાઓ ગરીબોને ખુબ રાહત આપી. દેશમાં કોઈ ભૂખ્યું ન રહે તે સરકારનો આ યોજના પાછળનો હેતું હતો. 26 માર્ચ 2020ના રોજ આ યોજનાની શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકારના દાવા મુજબ આ યોજનાનો લાભ 80 કરોડ લોકો લઈ રહ્યા છે. લાભાર્થીને આ યોજના હેઠળ 5 કિલોથી વધુ અનાજ અપાય છે. સરકાર તાજેતરમાં જ PMGKY ને સપ્ટેમ્બર-2022 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.
સ્વચ્છ ભારત મિશન
પ્રધાનમંત્રી મોદીની આ યોજના વિશ્વસ્તરે ખ્યાતિ પામી. એટલે સુધી કે પાડોશી પાકિસ્તાને પણ તેનું અનુકરણ કર્યું હતું. આ અભિયાન હેઠળ સ્વય્છતાને પ્રોત્સાહ આપવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિના મૂલ્યે શૌચાલયોનું નિર્માણ થઈ રહ્યું છે. 2 ઓક્ટોબર 2014 રોજ પીએમ મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. ગામડે ગામડે આ યોજનાનો લોકો લાભ લઈ રહ્યા છે. પીએમ મોદીએ યોજનાની શરૂઆત કરાવી ત્યારે કહ્યું હતું કે ગાંધીજીએ દેશને આઝાદ તો કરાવ્યો પરંતુ તેમનું સ્વચ્છ ભારતનું સપનું પૂરું થઈ શક્યું નહીં.
પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત 2015માં થઈ હતી. આ યોજના હેઠળ ગરીબ લોકોને ઘર બનાવવામાં મદદ કરવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોને ઘર અપાય છે. જેમની પાસે કાચા મકાનો હોય તેવા લોકોને સાવ ઓછા વ્યાજે લોન અપાય છે, જેમાં ધરખમ સબસિડી પણ અપાય છે. આ લોન ચૂકવવા માટે 20 વર્ષનો સમય હોય છે. મોદી સરકારે આ યોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ઉજ્જવલા યોજના
આ યોજના ગ્રામીણ મહિલાઓમાં અત્યંત લોકપ્રિય છે એમ મનાય છે. જે હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રાંધણ ગેસ કનેક્શન મફતમાં ઉપલબ્ધ કરાવાય છે. યોજનાની શરૂઆત પહેલી મે 2016ના રોજ થઈ હતી. કેન્દ્ર સરકારનો દાવો છે કે 25 એપ્રિલ 2022 સુધીમાં 9 કરોડ કરતા પણ વધુ કનેક્શન અપાયા. યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમામ BPL અને APL રાશન કાર્ડ ધારક પરિવારની મહિલાઓને 1600 રૂપિયાની આર્થિક મદદ પણ આપે છે.
જળ જીવન મિશન
2024 સુધીમાં ઘર ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનું મોદી સરકારનું લક્ષ્ય છે. પહેલા આ યોજના હેઠળ ઘરે ઘરે સ્વચ્છ પાણી પહોંચાડવાના લક્ષ્ય માટે 2030નું વર્ષ નક્કી કરાયું હતું. હર ઘર નળ યોજનાને જળ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. યોજનાનો લક્ષ્યાંક પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ દેશભરમાં થઈને વર્ષ 2022-23 સુધીમાં 3.8 કરોડ પરિવારો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સરકારના કહેવા મુજબ આ યોજના દ્વારા છેલ્લા 2 વર્ષમાં 5.5 કરોડ ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. 2019માં આ યોજનાની શરૂઆત કરાઈ હતી.
કિસાન સન્માન નિધિ
આ યોજનાએ ખેડૂતોને ખુબ ફાયદો કરાવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીની બરાબર પહેલા યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજનાના ગામડે ગામડે વખાણ થાય છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા જમા કરાવવામાં આવે છે. વર્ષ 2000 હજારના ત્રણ હપ્તામાં આ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે.