પોઈચાની નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા, 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ
નર્મદાઃ 14 મે 2024, ગુજરાતમાં અનેક વખત નદી કે કેનાલમાં ડૂબી જવાના બનાવો બનતાં હોય છે. ત્યારે પોઈચાની નર્મદા નદીમાં સુરતના આઠ પ્રવાસીઓ ન્હાવા ગયા હતાં અને નદીમાં ગરકાવ થઈ ગયા હોવાની ઘટના બની છે. આ આઠ પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો સહિત 7 લોકો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક નાવિકો પણ તેમને બચાવવા માટે પાણીમાં કૂદી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. આ પ્રવાસીઓએ બચાવો બચાવોની બૂમો પાડતાં સ્થાનિક નાવિકો પણ તેમને બચાવવા માટે પાણીમાં કૂદી ગયા હતાં. સ્થાનિકોએ આ આઠ પ્રવાસીઓમાંથી એક પ્રવાસીને ડૂબતાં બચાવી લીધો હતો.
સાત પ્રવાસીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી
પોઈચાની નર્મદા નદીમાં આ ઘટના બનતાં તંત્રના અધિકારીઓ અને પોલીસ દોડી ગઈ હતી. રાજપીપળા ટાઉન પોલીસ, નગર પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયાં છે અને નદીમાં ગરકાવ થયેલા સાત પ્રવાસીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃસુરતમાં ભરઉનાળે પાણીકાપ ઝીંકાયો, 10 લાખ લોકોને નહીં મળે પાણી