પાંચ વર્ષ બાદ ગુજરાતના આઠ યાત્રાધામમાં સફાઈ ઝુંબેશ
Gujarat : રાજ્યના કેટલાક સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં છેવટે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મળતા અહેવાલ મુજબ, રાજ્ય સરકારના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)એ યાત્રાધામો ધરાવતા આ પર્વતોની પવિત્રતા જાળવી રાખવા માટે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની દરખાસ્ત મૂકી હતી કે જેને મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂરી મળતાં જ જીપીવાયવીબીએ અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા પહેલા ગબ્બર પર્વત પર ‘પર્વત પવિત્રતા અભિયાન’ પ્રારંભ કર્યું છે. એટલું જ નહીં, નવરાત્રિ પ્રારંભ થતાં પહેલા પાવાગઢ અને ગિરનાર પર્વતોએ પણ મોટા પાયે સફાઈ કામગીરી શરુ કરવામાં આવશે.
યાત્રાધામોમાં દર્શનાર્થ જતા અનેક શ્રદ્ધાળુઓ ત્યાંની ગંદકીને કારણે હતાશ થતા હતા. જોકે મોટાભાગના શ્રદ્ધાળુઓ એ બાબતની ઉપેક્ષા કરીને દર્શન કરીને પરત ચાલ્યા હતા હતા, પરંતુ અમુક શ્રદ્ધાળુઓએ આ વાત સરકાર સુધી પહોંચાડી હતી. જેને પગલે ગુજરાત સરકારે સફાઈ ઝુંબેશ હાથ ધરી હોવાનું માનવામાં આવે છે.
લાંબા સમયથી અંબાજી, પાવાગઢ ખાતે આવેલાં શ્રી મહાકાળી મંદિર તથા ગિરનાર તીર્થ જેવા યાત્રાધામો અરવલ્લી, પાવાગઢ અને ગિરનાર પર્વતો પર હોવાના કારણે આ પવિત્ર યાત્રાધામ પરિસરોની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ શકતી નહોતી. ઉપરથી અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના ચોકથી કચરો સીધા પર્વતીય ખીણમાં ફેંકી દેવામાં આવે છે. પર્વતો પર આ રીતે ગંદગી થતા પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે અને પર્વતોની પવિત્રતાની સાથે જ જે તે યાત્રાધામની શોભા વિરુદ્ધ છબી ઉત્પન્ન થાય છે.
જીપીવાયવીબી દ્વારા રાજ્યનાં આઠ મહત્વના યાત્રાધામો અંબાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, પાલીતાણા તથા જુનાગઢ-ગિરનાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં એપ્રિલ-2018થી હાઈ એંડ ક્લીનલીનેસ (ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા) અભિયાન શરુ કરાયુ હતું. આ સફાઈ અભિયાન હેઠળ આ આઠ યાત્રાધામોમાં મંદિર પરિસર જ નહીં, પણ મંદિરને જોડતા મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર, ગબ્બર, વૉક-વે અને જ્યાં શ્રદ્ધાળુઓ/યાત્રાળુઓ/પ્રવાસીઓનો વધારે ઘસારો રહે છે, તેવા વિસ્તારોમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂરા થતાં રાજ્ય સરકાર ઉજવણી કરશે