મહેસાણામાં છેલ્લાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ, શહેરના રસ્તાઓ પાણી પાણી
મહેસાણામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેને લઇને રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. રસ્તાઓ ધોવાઇ જતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
ગોપી નાળામાં પાણી ભરાયા
મહેસાણા શહેરના બે ભાગને જોડતું ગોપી નાળું પણ વરસાદને કારણે એક સાઈડનો ભાગ પાણી ભરાઈ જવાથી સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને વહેલી સવારથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગોપીનાળામાં દર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે. જેને લઈને ચોમાસા દરમિયાન વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
માર્ગો ધોવાઈ ગયા
મહેસાણા શહેરમાં ખાબકેલા 8 ઇંચ વરસાદમાં શહેરના મોટા ભાગના માર્ગોની હાલત દયનિય બની ગઈ છે. મહેસાણા વિસનગર લિંક રોડ,ગાંધીનગર લિંક રોડ, સાંઈ બાબા મંદિર રોડ, ધોબીઘાટ રોડ, હૈદરી ચોકથી ફુવારા સુધીના આ તમામ માર્ગો પર ડામર ઉખડી જતા મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે. પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ક્યાં કેટલો વરસાદ
મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં મહેસાણામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વિસનગરમાં સાડા ચાર ઇંચ, વડનગરમાં 3 ઇંચ, વિજાપુરમાં પોણા ચાર ઇંચ, ઊંઝામાં અઢી ઇંચ, ખેરાલુમાં 3.5 ઇંચ, બેચરાજીમાં 5 ઈંચ, કડીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને જોટાણા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ મહેસાણા જિલ્લામાં 24 કલાક દરમિયાન 904 મિમી વરસાદ પડ્યો છે અને સિઝનનો 7,482 મિમી વરસાદ નોંધાયો છે.