ઉડુપીમાં ભીષણ આગથી 8 ફિશિંગ બોટ બળીને ખાક, માછીમારોને કરોડોનું નુકસાન
મેંગલુરુ: કર્ણાટકના ઉડુપીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતાં આઠ જેટલી ફિશિંગ બોટ બળીને ખાક થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, બોટ ઉડુપી જિલ્લાના ગંગોલી ખાતે નદી કિનારે લાંગરેલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક બોટમાંથી શરૂ થયેલી આગ નજીકની અન્ય બોટમાં પ્રસરી ગઈ હતી. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. તહેવારોની મોસમને કારણે પેઇન્ટિંગ અને રિપેરિંગ માટે બોટ દરિયાકિનારે રાખવામાં આવી હતી.
#WATCH | Karnataka: Several fishing boats gutted in a massive fire in the Gangolli area of Udupi. Fire tenders present at the spot to douse the fire. More details awaited. pic.twitter.com/GsDNCK7qxQ
— ANI (@ANI) November 13, 2023
ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ ટીમ સ્થળે પહોંચી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સિવાય ગોલી કોસ્ટ ગાર્ડ ફોર્સ અને પોલીસે પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક રિપોર્ટ મુજબ, બોટમાં ડીઝલ, કેરોસીન અને માછીમારીના સાધનો હતા. એવું કહેવાય છે કે નાળિયેરના પાંદડાઓને કારણે આગ અન્ય બોટમાં ફેલાઈ હતી. બીજી તરફ, હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. જો કે આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાતા હતા.
અંદાજિત 10 કરોડ રૂપિયાનું નુકસાન
દરેક બોટની કિંમત રૂ. 1.5 કરોડ હોવાનું કહેવાય છે અને આગથી કુલ રૂ. 10 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. આગની ઘટનાને પગલે દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરિયાઈ વિસ્તારમાં ઝડપી ફૂંકાતા પવનને કારણે ફાયર કર્મીઓને આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. માછીમારો અને સ્થાનિક રહીશો આગને કાબૂમાં લેવા ફાયર કર્મીઓને મદદ કરી રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે જિલ્લાના અન્ય ભાગોમાંથી ફાયર કર્મીઓને બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: શ્રીનગરના દાલ સરોવરમાં આગ લાગી, કરોડોની સંપત્તિ બળીને રાખ