સીરિયાના અલેપ્પોમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થતાં 8નાં મૃત્યુ, 20થી વધુ ઘાયલ
અલેપ્પો (સીરિયા), 31 માર્ચ: સીરિયામાં ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. તુર્કીયે તરફી દળો દ્વારા કબજે કરાયેલા ઉત્તરી સીરિયાના એક મુખ્ય બજારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. રવિવારે સવારે બનેલી આ ઘટનામાં આઠ લોકોનાં મૃત્યુ થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્કેટમાં વિસ્ફોટ બાદ અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. બોમ્બ બ્લાસ્ટની માહિતી સ્થળ પર હાજર વોર મોનિટર દ્વારા આપવામાં આવી છે.
મૃત્યુઆંક વધી શકે છે
સીરિયન ઓબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે અલેપ્પો પ્રાંતના અઝાઝમાં એક પ્રખ્યાત બજારની વચ્ચે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં આઠ લોકોનાં મૃત્યુ થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. બ્રિટન સ્થિત ઓબ્ઝર્વેટરી સીરિયાની અંદર સંપૂર્ણ નેટવર્ક ધરાવે છે. ઓબ્ઝર્વેટરી દ્વારા માહિતી આપવામાં આવી છે કે વિસ્ફોટ સ્થળ પર ઘણી એમ્બ્યુલન્સ અને બચાવકર્મીઓ હાજર હતા.
ઇસ્લામિક સ્ટેટે કબજો કર્યો હતો
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સીરિયામાં 2013થી મોટા પાયે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ઈસ્લામિક સ્ટેટે આ જગ્યાના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો. જો કે, 2019 સુધીમાં સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો પરાજય થયો હતો. આમ છતાં સીરિયાના ઘણા ભાગોમાં સમયાંતરે હુમલા અને બોમ્બ વિસ્ફોટોના અહેવાલો આવતા રહે છે. ઈઝરાયેલનો એવો પણ આરોપ છે કે સીરિયા તેની વિરુદ્ધ ઈરાનના લડવૈયાઓને ટેકો અને જમીન આપે છે. ઈઝરાયેલે તાજેતરના વર્ષોમાં સીરિયામાં સરકાર હસ્તકના સ્થાનોને નિશાન બનાવીને સેંકડો હુમલાઓ કર્યા છે. જો કે, ઈઝરાયેલ ક્યારેય હુમલાને સ્વીકારતું નથી.
આ પણ વાંચો: ઈઝરાયેલે સીરિયાના અલેપ્પોમાં કર્યો જોરદાર હવાઈ હુમલો, 38 જણ માર્યા ગયા