ટોપ ન્યૂઝનેશનલ

ચેન્નાઈમાં BSPના પ્રદેશ અધ્યક્ષની હત્યા કેસમાં 8ની ધરપકડ

  • ગઈકાલે સાંજે ત્રણ બાઇક પર સવાર થઇ આવેલા શખ્સોએ આર્મસ્ટ્રોંગની જાહેરમાં હત્યા નિપજાવી હતી
  • તપાસ માટે દસ ટિમો બનાવાઈ

ચેન્નાઇ, 06 જુલાઈ : તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ગઈકાલે શુક્રવારે બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ત્રણ બાઇક પર સવાર થઇ આવેલા હત્યારાઓએ આર્મસ્ટ્રોંગ પર છરી વડે હુમલો કર્યો હતો અને ગુનો કર્યા બાદ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ હાઈપ્રોફાઈલ હત્યા બાદ સક્રિય બનેલી ચેન્નઈ પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓનું આર્કોટ સુરેશ ગેંગ સાથે કનેક્શન..!

આરોપીઓની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું આર્કોટ સુરેશ ગેંગ સાથે કનેક્શન હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસપીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યામાં પ્રારંભિક તપાસમાં કેટલાક તથ્યો સામે આવ્યા છે. આ હત્યા જૂની અદાવત અને બદલાની ભાવનાથી થઇ હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષે ચેન્નાઈમાં આર્કોટ સુરેશ નામના હિસ્ટ્રીશીટરની હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગની હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં પકડાયેલા 8 આરોપીઓ આર્કોટ સુરેશના સંબંધીઓ છે અથવા તો ગેંગના સભ્યો છે. તેમાંથી એક પોન્નાઈ બાલા, જે હાલમાં કસ્ટડીમાં છે, તે આર્કોટ સુરેશનો ભાઈ છે.

આ પણ વાંચો : શાળાકીય પ્રવૃત્તિ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો ક્યારે લેવાશે બોર્ડની પરીક્ષા

તપાસ માટે દસ ટીમો બનાવાઈ

ચેન્નાઈ નોર્થના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ આસરા ગર્ગે એજન્સીને જણાવ્યું કે તપાસ માટે દસ ટીમો બનાવવામાં આવી છે. ગુનેગારોને પ્રકાશમાં લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછ બાદ હત્યા પાછળનું કારણ જાણી શકાશે. હત્યામાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મિત્ર સાથે વાત કરી રહ્યા હતા આર્મસ્ટ્રોંગ

47 વર્ષીય આર્મસ્ટ્રોંગ પેરામ્બુર વિસ્તારમાં પોતાના નવા બનેલા ઘર પાસે એક મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. દરમિયાન સાંજે લગભગ 7 વાગ્યે, હથિયારોથી સજ્જ ત્રણ બાઇક પર સવાર બદમાશોએ આર્મસ્ટ્રોંગ પર હુમલો કર્યો. ગુનાના સ્થળે એક મોટી છરી પડેલી મળી આવી હતી, જ્યાં આર્મસ્ટ્રોંગની હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા. તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 6માંથી 4 લોકોએ ફૂડ ડિલિવરી કંપનીના ટી-શર્ટ પહેર્યા હતા.

આ પણ વાંચો : હાથરસ દુર્ઘટનામાં ફરાર મુખ્ય આરોપીએ દિલ્હીમાં કર્યું આત્મસમર્પણ

Back to top button