ગુજરાતમાં રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં ૮.૪ લાખ કરોડનું મૂડીરોકાણ થશે
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર : ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ ચાલનારી આ સમિટના પ્રથમ દિવસે સીએમ પ્લેનરી સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત 9 રાજ્યોના મુખ્યમંત્રી અને મંત્રી સામેલ થયા હતા. આ સત્ર દરમિયાન વર્ષ 2030 સુધી ભારતમાં 500 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઊર્જાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્યોએ તેમના ક્ષેત્રમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટેના લક્ષ્યાંક સાથેના શપથપત્ર રજૂ કર્યા હતા.
ભારતની આ યાત્રાને આગળ લઇ જવા માટે અને પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યો, પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓના યોગદાનને બિરદાવવા માટે કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે વિવિધ શ્રેણીમાં એચિવર્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.
આ સત્રનો ઉદ્દેશ એક સ્વસ્થ સ્પર્ધાનું વાતાવરણ નિર્માણ કરીને રોકાણને આકર્ષિત કરવાનો તેમજ રાજ્યની નીતિઓ, ટેક્નોલોજી ભાગીદારી અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપીને ટકાઉ ઊર્જા ભવિષ્ય નિર્માણના માર્ગને સ્થાપિત કરવાનો રહ્યો હતો. આ સત્રમાં ગુજરાત તરફથી રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું ગુજરાતમાં સ્વાગત કરીને રિન્યૂએબલ ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે લોકોની એક જ માંગણી રહેતી કે અમને માત્ર સાંજે ડિનરના સમયે વિજળી આપો અને તેમણે ગુજરાતના ગામડાઓ સુધી 24 કલાક વિજળી પહોંચાડી દીધી છે. ગુજરાતે મેઇન્ટેનન્સની પણ એક મજબૂત સિસ્ટમ બનાવી છે.
બિપરજોય વખતે માત્ર 72 કલાકમાં વીજ પુરવઠો યથાવત કરી દેવાયો હતો. તાજેતરમાં જ્યારે ગુજરાતે દસમી વાયબ્રન્ટ સમિટ કરી હતી તેમાં રાજ્યો અને 8,47,000 કરોડનું રોકાણ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતને મળ્યું છે અને 500 એમઓયુ થયા છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણ માટે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટીનશન છે. ગુજરાત પાસે તમામ રિસોર્સ છે જેમાં 1600 કિમી કોસ્ટલાઇન અને ઉપલબ્ધ જમીન પણ છે. ગુજરાતમાં અત્યારે 50 ગીગાવોટના ગ્રીન હાઇડ્રોજન પાવરનો પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ, ગુજરાતે આજે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્ય પાસે રિન્યૂએબલ પોલિસી 2023 છે જે રોકાણકારો અને પ્રમોટર્સ માટે ઘણા ફાયદા લાવી છે. આપ સૌનું ગુજરાતમાં રોકાણ માટે અમે સ્વાગત કરીએ છીએ.
28220 મેગોવોટ ક્ષમતા સાથે ગુજરાતને ‘હાઇએસ્ટ એચીવર’ એવોર્ડ
રાજ્યો, ઉત્તરપૂર્વી રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ તેમજ નાણાકીય સંસ્થાઓને કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે વિવિધ શ્રેણીમાં એચિવર્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ એવોર્ડ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા, સોલાર પાવર ક્ષમતા, વિન્ડ પાવર ક્ષમતા, હાઇડ્રો પાવર ક્ષમતા, રિન્યૂએબલ એનર્જી પાર્ક્સ અને સોલાર પીવી મેન્યુફેક્ચર્સ ઉપલબ્ધિ બદલ આપવામાં આવ્યા હતા. નાણાકીય સંસ્થાઓને પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં આપવામાં આવેલી લોન બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા.