ભુજની બેન્કોમાં આવતી 8.37 લાખની ખોટી કરન્સી નોટોની ઉચાપત થઇ


- પોલીસ મથકે આરોપીઓ સામે ઉચાપત કર્યા અંગે ફરિયાદ નોંધાવાઇ
- ભુજ બેન્ક ઓફ બરોડાના બે કર્મચારી સહિત ચાર લોકો સામે ફરિયાદ
- 5૦૦, 10 અને 20ના દરની નોટોની ઉચાપત કરાઇ
કચ્છ જિલ્લાની બેન્ક ઓફ બરોડાની અલગ અલગ ચાર બ્રાન્ચ સહિત તેમજ અન્ય ચારથી પાંચ બેન્કોમાં આવતી નોન ઇસ્યુએબલ ૮,૩૬,૯૨૦ની કરન્સી નોટો ઉચાપત કરનારા ભુજ બેન્ક ઓફ બરોડાના બે કર્મચારી સહિત ચાર લોકો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
બેન્ક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચમાં મેનેજરે ફરિયાદ કરી
માધાપર રહેતા અને ભુજ બેન્ક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચમાં મેનેજર તરીકે નોકરી કરતા જયદીપ ક્ષેમેન્દ્રકુમાર શર્માની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત ૨ ઓગસ્ટથી ૫ ડીસેમ્બર ૨૦૨૪ દરમિયાન ભુજના સ્ટેશન રોડ પર બેન્ક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચના કરન્સી ચેસ્ટ ખાતે બન્યો હતો. બેન્કમાં કચ્છ જિલ્લાની વિવિધ ૪૩ બ્રાન્ચ તેમજ અલગ અલગ ચારથી પાંચ બેન્કોમાંથી આવેલી સોર્ટીંગ કરી સીઝ કર્યા પછી રિઝર્વ બેન્કમાં મોકલી આપવાની હોઇ બેન્કમાં વર્ક લોડ વધુ હોવાથી બેન્કમાં કામ કરતા અશોકકુમાર અને સચીન મીરાણી તેમજ સીઝ કેસ સર્વિસિસ કંપનીના કર્મચારી રાહુલ રાઠોડ અને સાવન ડાવર સહિતના ચાર લોકોએ કરન્સી નોટોના બન્ડલ બનાવીને રિઝર્વ બેન્કમાં મોકલી આપ્યા હતા.
પોલીસ મથકે આરોપીઓ સામે ઉચાપત કર્યા અંગે ફરિયાદ નોંધાવાઇ
તપાસ દરમિયાન કરન્સી નોટોના બન્ડલમાં નોન ઇસ્યુએબલ ૫૦૦ના દરની ૧,૨૨૩, તથા ચેસ્ટ કરન્સી ખાતે પડેલી ૫૦૦ના દરની ૪૨૭ નોટો, દસના દરની ૭૪ નોટો ૨૦ના દરની ૩૪ નોટો એમ કુલે રૂપિયા ૮,૩૬,૯૨૦ની નોન ઇસ્યુએબલ નોટની જમા ન કરાવી હોવાનું સામે આવતાં ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આરોપીઓ સામે ઉચાપત કર્યા અંગે ફરિયાદ નોંધાવાઇ છે.
આ પણ વાંચો: પાકિસ્તાને ગુજરાતના 21 માછીમારો મુક્ત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા