પ્રથમ તબક્કાની 89 બેઠક પર 39 રાજકીય પક્ષોના 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં, 70 મહિલા ઉમેદવાર પર મદાર
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનો જ ટ્રેન્ડ રહ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.
પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષોના મૂરતિયા મેદાનમાં
ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે. જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ, સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની ૩૯ રાજકીય પાર્ટીઓ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને 65 રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ 182 બેઠકો સામે જ્યાં 1,828 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થઈ હતી, ત્યારે આ વખતે પ્રથમ ફેઝની 89 બેઠકો સામે 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
BSPના 57 ઉમેદવાર જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના 14 ઉમેદવાર
ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ ઉમેદવાર BSPના છે. BSPએ 57 ઉમેદવારો પર બાજી લગાડી છે. આ ઉપરાંત ભારતીય ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા 14 ઉમેદવારને ઉભા રાખવામા આવ્યા છે. જ્યારે અન્ય પક્ષો દ્વારા 10, તો કેટલાંક પક્ષોએ તો માંડ એકથી ત્રણ ઉમેદવાર જ ઉભા રાખ્યા છે.
પ્રથમ તબક્કામાં ઉમેદવારની સંખ્યા
ચૂંટણી પંચની યાદી મુજબ કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે 339 ઉમેદવારો છે. જેમાં 35 મહિલાઓ છે અને 304 પુરુષો છે. પ્રથમ તબક્કામાં 89 ઉમેદવારોમાં ભાજપે 9 મહિલા ઉમેદવારોને ઊભા રાખ્યા છે, તો કોંગ્રેસે 6 મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે આપ પાર્ટી દ્વારા પ્રથમ તબક્કામાં 89 બેઠકમાંથી 88 સીટ પર ઉમેદવાર ઊભા રાખ્યા છે, જેમાં 5 મહિલાઓને સ્થાન આપ્યું છે.