અમદાવાદ, 2 મે 2024, ઠગ ટોળકીના ચાર સાગરીતે ફાર્મા કંપનીમાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપીને 3 રોકાણકારોને 78 લાખનો ચૂનો લગાવ્યો હતો. પાનના ગલ્લા પર થયેલી મિત્રતાને આધારે બેંકના મેનેજર ઠગ ટુકડીની વાતોમાં આવી ગયા હતા અને તેમણે પોતાના જ રૂ. 56 લાખનું રોકાણ કર્યું હતું. સાથે અન્ય બે રોકાણકારો સાથે પણ ઠગાઇ થઇ છે. આ બનાવ સંદર્ભે ચારેય ઠગ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં બે આરોપીઓને પકડીને રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.
અલગ અલગ સમયે કુલ રૂ.31.17 લાખનું રોકાણ કર્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે નિકોલમાં રહેતા તુષારભાઇ કથીરિયા બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેઓ જે પાનના ગલ્લે જતા હતા ત્યાં જીગર નિમાવત નામનો વ્યક્તિ આવતો હોવાથી બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. 2020માં જીગરે તુષાર કથીરિયાને કહ્યું હતું કે એવર ગ્રો ઈન્વેસ્ટર્સ નામની ફર્મમાં તે નેશનલ હેડ તરીકે કામ કરે છે. તેની ઓફિસ નવરંગપુરામાં હોવાનું જણાવ્યું હતુ. કંપનીમાં લોકો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ થાય છે અને તેઓ રોકાણ કરી મોટું વળતર મેળવે છે તેમ કહીને જીગર તુષારભાઈને નવરંગપુરા ખાતેની ઓફિસે લઈ ગયો હતો. ત્યાં જીગરે એવર ગ્રો ઈન્વેસ્ટર્સ કંપનીમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેતન સોલંકી, ચેરમેન અને એમડી હિરેનભાઈ જોગાણી અને ફાયનાન્સ મેનેજર દીપક ચન્દ્રકાંત શાહ સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં તુષારભાઈને રોકાણ કરવાનું કહેતા તેમણે રૂ.5 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ અલગ અલગ સમયે કુલ રૂ.31.17 લાખનું રોકાણ કર્યું હતું.
કુલ રૂ.77.92 લાખ પડાવી ઠગાઈ આચરી હતી
2022માં જીગરે તુષારભાઈને જણાવ્યું હતુ કે, ગોવા રાજ્ય સરકાર દ્વારા કન્વેન્શન સેન્ટર બનાવવા માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેમાં રોકડા પૈસાની જરૂર છે તેમ કહીને ગોવા સરકારના એલોટમેન્ટ લેટરના કાગળો બતાવ્યા હતા. જેથી તુષારભાઈએ બીજા રૂ.25 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ રોકાણ કરેલા પૈસાનો નફો મળવાનો બંધ થઈ ગયો હતો. આ બાબતે જીગરભાઈને વાત કરી તો પૈસા પાંચ મહિનામાં મળી જશે તેવી વાત કરી હતી. પરંતુ પૈસા ન મળતા તુષારભાઈએ તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, હિરેન જોગાણી, કેતન સોલંકી, દીપક શાહ અને જીગર નિમાવતે ભેગા થઈને રોકાણ કરવાથી ફાયદો મળશે કહીને તુષારભાઈ પાસેથી રૂ.56.17 લાખ, કિર્તન ગોહિલ નામના વ્યક્તિ પાસેથી રૂ.11.50 લાખ અને પારસ પટેલ પાસેથી રૂ.10.25 લાખ તેમ કુલ રૂ.77.92 લાખ પડાવી ઠગાઈ આચરી હતી.
PDEUમાં મુકેશ અંબાણી સુધી પહોંચી ગયો હતો
આ મામલે તુષારભાઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાંચે આરોપી દિપકભાઈ શાહ અને જીગર નિમાવતની અટકાયત કરીને રીમાન્ડ મેળવવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના ચેરમેન ઑફ ધ બોર્ડ મુકેશ અંબાણી છે. થોડાક મહિનાઓ અગાઉ DCS Solar Energy કંપનીના નામે મહાઠગ દિપક શાહે PDEUમાં પ્રવેશ મેળવી લીધો હતો. બાદમાં વાકચાતુર્ય થકી PDEUના પદાધિકારીઓ અને છેલ્લે મુકેશ અંબાણી સુધી મહાઠગ પહોંચી ગયો અને ફોટો પણ પડાવી લીધા હતાં. દિપક શાહ સોલાર પેનલ એસમ્બલી લાઈનમાં મેન્યુફેક્ચરીંગ કરવાનો PDEU સાથે કરાર કરે તે પહેલાં જ ઠગાઈ કેસમાં ગત જાન્યુઆરી મહિનામાં પોલીસના હાથે ઝડપાઈ ગયો.
આ પણ વાંચોઃ અમિત શાહનો વીડિયો એડિટ કરનાર એક AAPનો કાર્યકર્તા બીજો MLA મેવાણીનો PA નીકળ્યો