બનાસકાંઠા: વરસાદ પછી ફેલાતો રોગચાળો અટકાવવા 770 ટીમોએ સર્વેલન્સ કામગીરી હાથ ધરી
પાલનપુર, 30 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સજજ બન્યું છે. લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.તકેદારીના ભાગરૂપે વરસાદના સમયે ઉદભવતી આકસ્મિક જરૂરી તબીબી સેવાઓ મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રાખવા તેમજ તમામ આરોગ્ય સ્ટાફને હેડ ક્વાર્ટર ન છોડવા હૂકમ કરેલ છે.
દવાઓનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો
વરસાદની સ્થિતિમાં લોકોની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ અને કંન્ટ્રોલ રૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના દ્વારા નાગરિકોને આરોગ્ય સંબંધી સૂચના અને સારવાર આપી શકાય. તેમજ રોગચાળા અટકાયતી દવાઓનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવેલ છે.
770 ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી
જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા 770 ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે. જેનું દૈનિક મોનીટરીંગ જિલ્લા કક્ષાએથી કરવામાં આવી રહ્યું છે. લોકોમાં પણ રોગચાળો અટકાવવા અને સલામતીના ભાગરૂપે જાગૃતિ આવે એ માટે વિવિધ માધ્યમ થકી અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમીરગઢ પાસેની બનાસ નદીમાંથી ત્રણ દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યો