રાજ્યમાં નવરાત્રિમાં 766 લોકોને હાર્ટ એટેક આવ્યો, અચાનક કેમ વધ્યા કેસ?
- અમદાવાદમાં સૌથી વધુ 201 કેસ નોંધાયા
- સૌથી વધુ કોલ સાંજના 6 થી રાતના 2ની વચ્ચે
- નવરાત્રિ દરમિયાન કુલ 766 કેસ નોંધાયા
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન અનેક લોકોમાં હૃદય સંબંધિત બિમારીઓ જોવા મળી છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. 9 દિવસ દરમિયાન સાંજના 6 વાગ્યાથી રાતના 2 વાગ્યાની વચ્ચે ઘણા લોકોને હૃદયની તકલીફ જોવા મળી છે.આરોગ્ય વિભાગમાં કામ કરતા સૂત્રોએ આપેલા આંકડા ચોંકાવનારા છે.
નવરાત્રિ દરમિયાન કુલ 36 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન અનેક લોકોને હાર્ટ એટેકની ફરિયાદો જોવા મળી હતી. નવરાત્રિ દરમિયાન સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેકના કારણે 36 લોકોના મોત થયા છે જ્યારે તેનાથી સંબંધિત કુલ 766 કેસ નોંધાયા છે. જો આંકડાઓની વાત કરીએ તો સાંજના 6 થી રાતના2 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેકના વધુ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ રાજ્યભરના અલગ-અલગ શહેરોમાં લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 16, દક્ષિણ ગુજરાતમાં 15 અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 લોકોના મૃત્યુ થયા છે. આ આઠ કલાકમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ 85 કોલ નોંધાયા હતા. એકલા અમદાવાદમાં જ નવરાત્રિ દરમિયાન દરરોજ હાર્ટ એટેક સંબંધિત 22 કોલ આવતા હતા.
કુલ 766 કેસ નોંધાયા
જો 9 દિવસમાં રોજના સરેરાશ કોલની વાત કરીએ તો આરોગ્ય વિભાગને 4,161 કોલ આવ્યા હતા.જેમાં વાહન અકસ્માત, ચક્કર અને પડી જવાની સાથે કાર્ડિયાક પ્રોબ્લેમનો સમાવેશ થાય છે. 108માં કાર્યરત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં નવરાત્રી દરમિયાન હૃદયરોગને લગતા 766 કેસ નોંધાયા છે. આ તમામ કોલ સાંજે 6 થી 2 વાગ્યાની વચ્ચે આવ્યા હતા.
આંકડાઓની વાત કરીએ તો 15 ઓક્ટોબરે 75 કોલ, 16 ઓક્ટોબરે 92 કોલ, 17 ઓક્ટોબરે 69 કોલ, 18 ઓક્ટોબરે 109 કોલ, 19 અને 20 ઓક્ટોબરે 102 કોલ, 21 ઓક્ટોબરે 70 કોલ, 22 ઓક્ટોબરે 82 કોલ અને 23 ઓક્ટોબરના રોજ કુલ 93 કોલ મળ્યા હતા. એકલા અમદાવાદમાં સૌથી વધુ 201 કેસ નોંધાયા છે. આ આંકડાઓને કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો, જમ્મુ કાશ્મીરના અરનિયા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન