અમદાવાદ, 13 જાન્યુઆરી 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી 2024 સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સરે રૂમ તથા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી.
10થી 20 જાન્યુઆરી સુધી ચાલશે કરૂણા અભિયાન
વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવે કહ્યું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. 2017થી ચાલી રહેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે.10થી 20 જાન્યુઆરી સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાઈ રહ્યું છે.
વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.જીવો, જીવવા દો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે. તદ્દઅનુસાર, વોટ્સએપ 8320002000 ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
વન વિભાગે પણ હેલ્પલાઈન નંબર શરૂ કર્યો
વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 900થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 700થી વધારે વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગયા વર્ષે કુલ 75 હજાર પક્ષીઓને બચાવવામાં આવ્યાં છે.2017થી લઈને 2023 સુધીમાં 85 હજાર પક્ષીઓને સારવાર અપાઈ છે. અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર તેમજ અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર તૈયાર કરાયા છે. તે ઉપરાંત 216 વેટરનિટી ડોક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર છે.
આ પણ વાંચોઃ સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત હબ બનશે: CM ભૂપેન્દ્રભાઈ પટેલ